ગાંધીનગરઃ ગાંધીનગર પાસેના પેથાપુરમાં મળી આવેલા ત્યજી દેવાયેલા બાળક શિવાંશનાં માતા-પિતા વિશે મોટો ધડાકો થયો છે. શિવાંશની માતાનું નામ મહેંદી હોવાનું બહાર આવ્યું છે. મહેંદીએ જ શિવાંશને સચિનને આપી દીધો હતો. અચાનક નવ માસનો પુત્ર મળતાં તેનું શું કરવું એ મુદ્દે સચિન મૂંઝાઈ ગયો હતો તેથી તેણે બાળકને તરછોડી દીધું હતું. બીજી તરફ મહેંદી ક્યાં ગાયબ થઈ ગઈ છે એ મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી છે. મહેંદીનાં સગાં અમદાવાદમાં હોવાથી પોલીસ તેમને ત્યાં તપાસ કરી રહી છે. મહેંદી સાથે કશું અનિચ્છનિય કે અણઘટતી ઘટના તો નથી બની ને તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી મહેંદી નામની યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા. બંને વચ્ચે બે વર્ષ સુધી શરીર સંબંધ રહ્યા હતા. સચિન શનિવાર અને રવિવારે વડોદરામાં મહેંદી સાથે જ રહેતો હતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.
મહેંદીનાં સગાં અમદાવાદના બોપલમાં રહેતાં હોવાથી બંને બોપલમાં પણ મળતાં હતાં. બંને વચ્ચેના સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. શિવાંશનો જન્મ પણ બોપલમાં જ થયો હોવાનું પોલીસનું કહેવું છે.
મહેંદીએ સચિનને લગ્ન કરવા કહ્યું હતું પણ સચિન તૈયાર ના હોવાથી તેણે શિવાંશને સચિનને સોંપી દીધો હતો.
પોલીસે સચિનની પૂછપરછમાં તેની પ્રેમિકા વિશે માહિતી મળી હતી. તેના આધારે ગાંધીનગર પોલીસ ટીમ વડોદરા પ્રેમિકાના ઘરે પહોચી ગઈ હતી. જો કે પોલિસને મહેંદી મળી નથી. ગાંધીનગર પોલિસ દ્વારા આજે પ્રેમિકાને ઝડપી લેવાય અને તેને ગાંધીનગર લવાય તેવી શક્યતા છે. આજે સચિન દિક્ષીતનો ડીએનએ ટેસ્ટ પણ કરાશે એવો પોલીસનો દાવો છે.