ગાંધીનગરઃ બિનસચિવાલયની પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓ છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં પ્રદર્શન કરી રહ્યા છે. વિદ્યાર્થીઓના વિરોધ સામે આખરે રૂપાણી સરકાર ઝૂકી હતી અને બિનસચિવાલયની પરીક્ષામાં થયેલી ગેરરીતિની તપાસ માટે SITની રચના કરવાનો સરકારે  સૈદ્ધાંતિક નિર્ણય લીધો હતો. પરીક્ષાર્થીઓના પ્રતિનિધિઓની માંગણી મુજબ SITની રચના કરાશે. આ અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને જિલ્લા કલેક્ટરે ચર્ચા માટે આમંત્રણ  આપ્યું હતુ. બીજી તરફ પ્રદર્શનકારીઓએ માંગણી કરી હતી કે જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહી આવે ત્યાં સુધી અમે આંદોલન ખત્મ નહી કરીએ. વિદ્યાર્થીઓ સાથે મુલાકાત બાદ કલેક્ટરે પરીક્ષાર્થીઓની પાંચ માંગણી સ્વીકારી હતી.

આ અગાઉ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની કલેક્ટર સાથેની બેઠક સકારાત્મક રહી છે. આ બેઠકમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યા, રેન્જ આઇજી મહેન્દ્ર સિંહ ચાવડા અને જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કલેક્ટરને માંગણી કરી કે, SITમાં એક પણ રાજકીય નેતા ન હોવો જોઈએ. નવી રચના એસઆઈટીમાં આઇ.એ.એસ કે આઇ.પી.એસ અને એક વિદ્યાર્થી પ્રતિનિધિને સ્થાન મળવું જોઈએ તેવી પણ વિદ્યાર્થીઓની માંગણી છે.

આ અગાઉ પરીક્ષાર્થીઓના સમર્થન માટે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ ગાંધીનગર પહોંચ્યો હતો. જોકે, તેને જોતા જ પરીક્ષાર્થીઓ ઉશ્કેરાયા હતા અને તેની સામે ગો-બેકના સૂત્રો પોકાર્યા હતા. ધક્કામૂક્કી થતાં એતે હાર્દિક સ્થળ છોડી રવાના થઈ ગયો હતો