અમદાવાદ: ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે ત્યારે આજથી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજસ્થાન અન મધ્યપ્રદેશ પર છવાયેલા સાયક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડીમાં ઘટાડ જોવા મળશે. આ ઉપરાંત માવઠાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ડીસામાં 7.5 ડિગ્રી નોંધાઈ હતી.

ગ્રહણ બાદ હવામાનમાં અનેકવાર પલ્ટો જોવા મળ્યો છે. ગ્રહણ બાદ સપ્તાહમાં નિર્મળ જળની વૃષ્ટિ થાય તો ગ્રહણનું ઝેર ધોવાઈ જાય તેવું માનવામાં આવી રહ્યું છે. 30 ડિસેમ્બર બાદ હવામાનમાં પલટો આવશે જેને લઈને ગુજરાતમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થાય તેવા એંધાય છે.

સાઈક્લોનિક સરક્યુલેશન હાલમાં સાઉથ-ઈસ્ટ રાજસ્થાન અને મધ્યપ્રદેશ પર જોવા મળી રહ્યું છે. તેની અસરને કારણે આજથી ભરૂચ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગરમાં માવઠાની શક્યતા છે. જોકે હવામાન ખાતાના અધિકારીઓએ કહ્યું કે, વરસાદ હળવો રહેશે.

હવામાન ખાતાએ ત્રણ દિવસ સુધી સાઈક્લોનિક સરક્યુલેશનની અસરને કારણે ઠંડી ઘટવાની આગાહી કરી છે. તેમજ કોલ્ડ ડેની ચેતવણી પણ હટાવી દીધી છે. જોકે ત્યારબાદ ફરી ઠંડીનો પ્રકોપ શરૂ થશે તે નક્કી છે. આજે રાજ્યમાં ઘણાં શહેરોમાં ઠંડી ઘટી હતી અને પારો 10 ડિગ્રીની ઉપર જતો રહ્યો હતો.

માઉન્ટ આબુમાં તાપમાનમાં ઘટાડો થતાં ઠેરઠેર બરફના થર જામી ગયા હતાં. તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળતાં તાપમાનનો પારો માઈનસ 3 ડિગ્રી થતાં માઉન્ટ આબુમાં બરફ જામી ગયો હતો અને આ હાડ થીજવતી ઠંડીથી બચવા માટે લોકોએ ગરમ કપડાં અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.