ગાંધીનગરઃગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર હતા. જો કે મંજૂરી વિના ચિંતન શિબિરનું આયોજન કરતા પોલીસે અટકાયત કરી છે. પોલીસે ચિંતન શિબિરમાં આવેલા 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. ગાંધીનગરના સરગાસણમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની ચિંતન શિબિર આયોજન કરાયું હતું. બેઠકમાં રાજ્યની કોરકમિટીની રચના અને સરકાર સાથે ચર્ચાઓના મુદ્દાઓને આખરી ઓપ આપવાનો હતો પરંતુ તે અગાઉ તેમની અટકાયત કરાઇ હતી.
નોંધનીય છે કે શિક્ષિત બેરોજગાર યુવાન આંદોલન સમિતિ રાજ્ય સરકારમાં ભરતી,નિમણૂક અને પરીક્ષાઓ લેવા અંગે લડત ચલાવી રહી છે. સમિતિ દ્ધારા રાજ્યના 38 હજાર યુવાનોને રોજગારી આપવાની માંગ કરવામાં આવી રહી છે. તેમજ 2018ના પરિપત્રના આધારે નિમણૂક ન આપવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ સોશિયલ મીડિયા પર પણ શિક્ષિત બેરોજગારોને ન્યાય આપવા માટે આંદોલન ચલાવી રહી છે.