અમદાવાદઃ રૂપાણી સરકારના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરવાના આપેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે. હાઈકોર્ટના જજ જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 2017ની વિધાનસભા ચૂંટણીમાં જીતને રદ કરી દીધી હતી. ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અમદાવાદ જિલ્લાની ધોળકા બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.
આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પહેલી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સત્યમેવ જયતે. આ ચુકાદાને કારણે ભુપેન્દ્રસિંહ હાલ ધારાસભ્ય પદે યથાવત રહેશે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે આ જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દેતાં ભુપેન્દ્રસિંહ અને ભાજપ માટે મોટી રાહત થઈ ગઈ છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.
2017માં વિધાનસભા ચૂંટણીમાં ધોળકા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ તરફથી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કોંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ઉમેદવારી કરી હતી. પાતળા માર્જિનથી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીત થઇ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ ચૂંટણીના ઈલેક્શન પિટિશનના રૂપે અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારીહતી. તેમણે ભુપેન્દ્રસિંહ ચુડાસમા સામે ભ્રષ્ટ આચરણ તેમજ મતગણતરીમાં પોસ્ટલ બેલેટની મતગણતરીમાં ગેરરીતિના આરોપ લગાવ્યા હતા. આ કારણોસર ચૂંટણી રદ્દ થવી જોઈએ તેમજ પોતાને વિજેતા જાહેર કરાવો જોઈએ એવી માંગણી રાઠોડે કરી હતી. હાઈકોર્ટે 429 પોસ્ટલ બેલેટ રદ કરવાનો નિર્ણય ગેરકાયદેસાર હોવાનો ચુકાદો આપ્યો હતો. પોસ્ટલ બેલેટમાં મળેલા મતમાંથી 429 મત રદ થતાં ચુડાસમાને વિજેતા જાહેર કરાયા હતા.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટી રાહતઃ સુપ્રીમ કોર્ટે ધોળકાની ચૂંટણી રદ્દ કરવા સામે આપ્યો સ્ટે, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 May 2020 01:00 PM (IST)
સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરવાના આપેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે. જેથી ભુપેન્દ્રસિંહ ધારાસભ્ય તરીકે યથાવત રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -