ગાંધીનગર: રાજ્યમાં શરુઆતમાં સારા વરસાદ બાદ પાછળથી વરસાદ ખેંચાતા પાકને નુકસાનીનો ભય સતાવી રહ્યો છે. પાકને નુકસાન ન જાય તે માટે ખેડૂતો પાકના પાણી પાવાની શરુઆત કરી દીધી છે. તો બીજી તરફ ખેડૂતોએ એવી માગ કરી હતી કે, હાલમાં જે 8 કલાક વીજળી મળે છે તેના બદલે 10 કલાક વીજળી આપવામાં આવે. જે બાદ સરકારે ખેડૂતોની માગ સ્વિકારી અને વીજળી 10 કલાક આપવાની જાહેરાત કરી જેથી વધારેમાં વધારે પાકનેપાણી પાઈ શકાય. આ નિર્ણય બાદ જે જિલ્લાઓમાં 8 કલાક વીજળી મળી રહી હતી તેમણે પણ સરકારને વિનંતી કરી કે, અમારા જિલ્લામાં પણ 10 કલાક વીજળી આપવામાં આવે. આજે તેમની પણ અપીલ સરકારે સ્વિકારી છે.
રાજ્યના ઊર્જા મંત્રી કનુ દેસાઈએ જણાવ્યુ છે કે,રાજ્યમાં પાછોતરો વરસાદ ખેંચાતા ખેડૂતોના ઉભા પાકને બચાવવા માટે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં ખેડૂતોના પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કરીને વીજળી પુરી પાડવામા આવી રહી છે.
તેમણે ઉમેર્યુ કે,ત્યારબાદ અન્ય વિસ્તારોના ખેડૂતોની રજૂઆતો મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓમાં કાર્યરત ૧૦ કલાક ખેતીવાડી વીજળી ઉપરાંત ભાવનગર, પોરબંદર, ગીરસોમનાથ, બોટાદ તથા મોરબી જિલ્લાના ખેડૂતોનો પાક બચાવવા ૮ કલાકના બદલે ૧૦ કલાક વીજળી આપવાનો નિર્ણય કર્યો છે જેની અમલવારી તા. ૦૨.૦૯. ૨૦૨૩થી કરાશે. આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતનાં બાકી રહેતા જિલ્લાઓને પણ તા.૦૫.૦૯. ૨૦૨૩થી ૧૦ કલાક વીજળી આપવાનો મહત્વનો ખેડૂત હિતલક્ષી નિર્ણય કર્યો છે.
પહેલા આ જિલ્લાને 10 કલાક વીજળી આપવાની કરી હતી જાહેરાત
- કચ્છ
- બનાસકાંઠા
- સાબરકાંઠા
- મહેસાણા
- પાટણ
- ગાંધીનગર
- અમદાવાદ
- ખેડા
- અમરેલી
- સુરેન્દ્રનગર
- રાજકોટ
- જામનગર
- દ્વારકા
- જૂનાગઢ
આ નિર્ણયની જાહેરાત કરતા નાણાં અને ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે વરસાદ ખેચાતા સરકારે ખેડૂતોને પાવર અને પાણી પૂરું પાડવાનું નક્કી કર્યું છે. રાજ્યના 14 જિલ્લામાં 8ના બદલે 10 કલાક વીજળી આપવામાં આવશે અને તેની અમલવારી આગામી 1લી તારીખ પહેલા થઈ જશે. સિંચાઇ મંત્રી કુંવરજી બાવળિયાએ ખેડૂતોને નર્મદા, સુજલામ સુફલામ્ અને ડેમ દ્વારા પાણી આપવાની જાહેરાત કરી છે. પાણી અને વીજળી આપવામાં કપાસ, ડાંગર અને મગફળી વાળા વિસ્તારને પ્રાથમિકતા આપવામાં આવી છે.
કુંવરજી બાવળિયાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, નર્મદામાંથી આજથી પાણી છોડાશે. સુજલામ સુફલામ્ દ્વારા પાઇપ લાઈન નખાઈ છે ત્યાં પણ પાણી છોડશે, જે ડેમમાં 80 ટકા પાણી છે ત્યાં પાણી છોડવામાં આવશે. ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ્માં પાણી અપાશે તથા ખંભાત અને તારાપુર વિસ્તારમાં પણ કડાણા ડેમમાંથી પાણી છોડાશે.