Gandhinagar: રાજયમાં નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડે તેવો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. રાજ્ય સરકાર એક તરફ દારૂબંધી મુદ્દે કડક પગલાં લેવાના ભાગરૂપે દારૂની હેરફેરમાં પકડાયેલા વાહનોની હરાજી કરવા સુધારા બિલ લાવે છે તો બીજી તરફ દારૂબંધી મામલે પોલીસ અધિકારીઓ પર ‘મહેરબાન’ થતી જોવા મળી હતી.
ગૃહ વિભાગે દારૂના ક્વોલિટી કેસમાં દારૂના જથ્થાની કિંમત વધારી ઢીલી નીતિ અપનાવી હોય તેવો વિચિત્ર પરિપત્ર બહાર પાડ્યો હતો. આ સંજોગોમાં નશાબંધીની નીતિને કડક બનાવવાને બદલે તેને ઢીલી પાડી દે તે પ્રકારનો પરીપત્ર ગૃહ વિભાગે બહાર પાડયો છે. જેને કારણે પોલીસને 'રાહત' મળે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. અગાઉ બીજી એજન્સી જયારે કોઈપણ પોલીસ મથકની હદમાંથી 15,000 રૂપિયાની કિંમતનો દેશી અને 25,000 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપે તો તેને કવોલીટી કેસ ગણવામાં આવતો હતો. દારૂનો ક્વોલિટી કેસ થાય ત્યારે જે તે વિસ્તારના પોલીસ અધિકારી અને કર્મચારી સામે ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ સરકારે હવે ક્વોલિટી કેસ માટે દારૂના જથ્થાની કિંમત વધારી છે.
અગાઉ દેશી દારૂ 15 હજાર રૂપિયાનો તો વિદેશી દારૂ 25000 રૂપિયાનો ઝડપાય તો ક્વોલિટી કેસ ગણાતો હતો. જોકે નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી પોલીસને ખુલ્લી છૂટ આપી હોવાની ચર્ચાઓ શરૂ થઇ છે. નવા પરિપત્ર મુજબ હવે 1 લાખ રૂપિયાનો દેશી દારૂનો જથ્થો પકડાશે તો ક્વોલિટી કેસ ગણાશે જ્યારે 2.5 અઢી લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાશે તો ક્વોલિટી કેસ ગણાશે. આ પરિપત્ર દ્વારા સરકાર દારૂની હેરફેર બદલ પોલીસ અધિકારી અને કર્મચારીઓને છૂટછાટ આપતી હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે.
ક્વોલિટી કેસ નોંધાય તો સ્થાનિક પોલીસ અધિકારી અને કર્મચારીઓને ઈન્કવાયરીનો સામનો કરવો પડતો હતો. પરંતુ ગૃહ વિભાગના નવા પરિપત્રથી સ્થાનિક પોલીસ સામેની ઈન્કવાયરીમાં અનેકગણો ઘટાડો થશે તેવું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું. કારણ કે એક લાખ રૂપિયાનો દેશી દારૂના કિસ્સાઓ ખૂબ ઓછા નોંધાય છે. આવી સ્થિતિમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ ખાતાકીય કાર્યવાહીથી બચી જશે.
અગાઉ પોલીસ દેશી દારૂ કબજે કરતી ત્યારે તેના એક લીટરનો ભાવ 20 રૂપિયા ગણતી હતી. ગૃહ વિભાગના નવા પરિપત્ર મુજબ હવે પોલીસે દેશી દારૂના એક લીટરનો ભાવ 200 રૂપિયા અને વોશનો ભાવ 25 રૂપિયા ગણવાનો રહેશે. વિદેશી દારૂ ઝડપાય તો એક બોટલની કિંમત 300 રૂપિયા ગણે છે. જો સારી કવોલીટીનો દારૂ પકડાય તો 450 થી 500 રૂપિયા કે તેથી વધુ કિંમત ગણે છે. જોકે ગૃહ વિભાગના નવા પરિપત્રમાં અંગ્રેજી દારૂની કિંમતમાં કોઈ ફેરફાર કરાયો નથી.
Ahmedabad: નશાની હાલતમાં થતા અકસ્માત કેસમાં ગુજરાત હાઇકોર્ટનો મોટો ચુકાદો, જાણો શું કહ્યુ?