અમદાવાદઃ ઉત્તર પૂર્વી અરબી સમુદ્ર અને દક્ષિણ ગુજરાતના કોસ્ટલ એરિયા પર લો-પ્રેશર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તેવું હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત, છોટા ઉદેપુર, સહિત અન્ય જિલ્લાઓમાં તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા છે.

બે દિવસ બાદ પણ આ સિસ્ટમની અસર હેઠળ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આ ઉપરાંત અમદાવાદમાં વરસાદી ઝાપટાંની શક્યતા પણ છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં હાલ નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ ચાલી થઈ ગઈ છે.

ખેલૈયાઓ ખરીદીથી લઈને ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જ્યારે આયોજકોની અને ખેલૈયાઓની ચિંતામાં વધારો કરતાં સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવરાત્રી દરમિયાન ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

હવામાન વિભાગે ગુજરાતમાં 29 સપ્ટેમ્બરથી લઈને 1 ઓક્ટોબર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હાલ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. જોકે શનિવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં 4 ઈંચ સુધી વરસાદ ખાબક્યો હતો.