રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાત તાલુકાઓમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ભાવનગરમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ વરસ્યો હતો. વર્તમાન સીઝનમાં રાજ્યમાં કુલ સરેરાશ 69.97 ટકા વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૨૯.૯૮ ટકા વરસાદ નોંધાયો હતો.  રાજ્યના ૩૬ તાલુકાઓમાં ૧ ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો.


રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ ૨૪ જુલાઇ ૨૦૨૩ના રોજ સવારે ૬ કલાકે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન ભાવનગરમાં સૌથી વધુ ૪.૭૨ ઇંચ એટલે કે, ૧૧૮ મિ.મી વરસાદ વરસ્યો હતો.  જ્યારે રાજ્યના અન્ય ૭ તાલુકાઓમાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી તાલુકામાં ૯૪ મિ.મી અને લોધિકા તાલુકામાં ૮૨ મિ.મી., જામનગરના લાલપુરમાં ૮૪ મિ.મી., અમરેલીના બાબરામાં ૮૩ મિ.મી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ૮૧ મિ.મી. કચ્છના ગાંધીધામમાં ૭૯ મિ.મી. અને સુરત શહેરમાં ૭૫ મિ.મી. વરસાદ વરસ્યો હતો.


આ ઉપરાંત રાજ્યના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ૭૪ મિ.મી. ભાવનગરના શિહોરમાં ૭૧ મિ.મી.,  ઉમરપાડામાં ૭૦ મિ.મી., ગીર સોમનાથના વેરાવળમાં અને બોટાદના ગઢડામાં ૬૮ મિ.મી., તાપીના ડોલવણમાં ૬૩ મિ.મી., વલસાડના કપરાડા અને તાપીના વ્યારામાં ૬૧ મિ.મી., કચ્છના અંજાર અને મહેસાણાના સતલાસણામાં ૬૦ મિ.મી., નર્મદાના નાંદોદમાં ૫૬ મિ.મી. ગીર સોમનાથના સુત્રાપાડામા અને સાબરકાંઠાના ઇડરમાં ૫૫ મિ.મી.. ભાવનગરના ઉંમરાળામાં ૫૪ મિ.મી., રાજકોટમાં ૫૧ મિ.મી., અને ભરૂચમાં ૫૦ મિ.મી. એમ મળી કુલ ૧૬ તાલુકાઓમાં બે ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના અન્ય ૩૬ તાલુકાઓમાં એક ઇંચથી વધુ  વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચોમાસાની વર્તમાન સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૬૯.૯૭ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ ૧૨૯.૯૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦૨.૯૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫૯.૮૨ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૫૬.૦૪ ટકા, પૂર્વ ગુજરાતમાં ૫૩.૫૬ ટકા મોસમનો કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે.


અંબાલાલ પટેલ અનુસાર હાલમાં ઓડિશા બાજુ તારીખ 26 આસપાસ એક લો પ્રેશર બનશે જે ડીપડેપ્રેશન સુધી જવાની શક્યતા છે. ઓડિશાના ભાગો, આંધ્રના ભાગો, છત્તીસગઢના ભાગોથી પશ્ચિમ ભાગો સુધી તેની અસર જોવા મળશે.


તારીખ 25 અને 26 જુલાઈમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગો, કર્ણાટકના ભાગો અને દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદના પગલે ગંગા, જમનાના જળસ્તરમાં વધારો થશે અને ઉત્તર ભારતની નદીઓમાં પુર આવવાની શક્યતા છે. 24 જુલાઈના જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે