ગાંધીનગર: ગૌણ સેવા દ્વારા સિનિયર ક્લાર્ક માટેની સીપીટી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધા પછી પરીક્ષા રદ કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. મહિલા ઉમેદવારે અધિકારી સામે વેદના ઠાલવતા કહ્યું કે, ઘરમાં ખાવાના પૈસા નથી, લાઇટ નથી, કેવી રીતે વાંચીએ એ અમે જાણીએ છીએ અને તમે પરીક્ષા રદ કરી દો છો. કોમ્પ્યૂટર પ્રોફિશિયન્સી ટેસ્ટ દરમિયાન જ કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થતા પરીક્ષા રદ કરાય હતી. ફરીથી પરીક્ષા લેવાની વાતથી મહિલા ઉમેદવારે ગૌણ સેવા મંડળના નાયબ સચિવ ચાવડા સાથે વાત કરતાં આંસુ આવી ગયાં હતાં. પરીક્ષા રદ કરવાથી સરકારી નોકરીનું સ્વપ્ન રોળાતાં મહિલા ઉમેદવાર અધિકારીને ફોન કરતાં રડી પડી હતી. જેની ઓડિયો કલીપ વાયરલ થઈ છે.



વારંવાર અનેક પરિક્ષાઓ રદ કરવાના કારણે ઉમેદવારોએ પોતાના મનની વાત ઠાલવતો ઓડિયો વાયરલ થયો છે. સીપીટી પરીક્ષાનું પરિણામ જાહેર કર્યા પછી પરીક્ષા રદ કરતા ઉમેદવારો એ પોતે કઈ વિકટ પરિસ્થિતમાં પરીક્ષા આપવા પહોચે છે તે અંગે જણાવ્યું હતું. શુક્રવારે ગૌણ સેવા પસંદગી મંડળની કચેરીએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવાની માંગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો રજૂઆત કરવા પહોંચ્યા હતા. મહિલા ઉમેદવારનો ગૌણ સેવા મંડળના નાયબ સચિવ સાથેનો ઓડિયો વાયરલ થયો છે. મહિલા ઉમેદવારે પરિક્ષા માટે ટિકીટ ભાડાના પૈસા નથી તેમજ વાંચવા માટે લાઈટ નથી કંઈ રીતે વાચે છે તેનું દર્દ ઠાલવતો ઓડિયો વાયરલ થયો છે.



નોંધનિય છે કે, વિવિધ વિભાગોના ખાતાના વડાની કચેરીમાં સિનિયર ક્લાર્કની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે 31 જુલાઈ, 2021એ લેખિત પરીક્ષા લીધી હતી જેનું પરિણામ 31 ડિસેમ્બર, 2021એ જાહેર કર્યું હતું. જેમાં ઉત્તીર્ણ થયેલા 4,572 ઉમેદવાર માટે 3 માર્ચથી 5 માર્ચ, 2022 દરમિયાન કરાઈ પોલીસ એકેડેમીમાં 2 શિફ્ટમાં કોમ્પ્યૂટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાયો હતો. ટેસ્ટ દરમિયાન જ કેટલીક ટેક્નિકલ સમસ્યાઓ ઊભી થઈ હતી.


ત્યાર પછી પરિણામ જાહેર કરી દેવાયું હતું અને ફરીથી પરીક્ષાનું પરિણામ રદ કરી નાખવામાં આવતાં સીપીટીની પરીક્ષા પાસ કરનારા 200થી વધુ ઉમેદવારે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ જાહેર કરવાની માંગ સાથે શુક્રવારે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ફરીથી પરીક્ષા લેવાની વાતથી મહિલા ઉમેદવારે ગૌણ સેવા મંડળના નાયબ સચિવ ચાવડા સાથે વાત કરતાં આંસુ આવી ગયાં હતાં.


કથિત ઓડિયો 


પરીક્ષા રદ કરવાથી સરકારી નોકરીનું સ્વપ્ન રોળાતાં મહિલા ઉમેદવાર અધિકારીને ફોન કરતાં રડી પડી હતી. 


મહિલા ઉમેદવાર: તમે કોઇના ઘરની કન્ડિશન તો જુઓ, કેટલા સમયથી રાહ જુએ છે. 
નાયબ સચિવ : બેન, અધ્યક્ષ સાહેબનો નિર્ણય છે. 
મહિલા ઉમેદવાર : આવી રીતે તો કોઇનું કરિયર ના બગાડો, તમે કોઇના ઘરે જોવા આવો તો ખબર પડે સર, પેરેન્ટ કેવી રીતે ઘર સંભાળે છે. 
નાયબ સચિવ : ઉમેદવારે તૈયારી કરવાની છે, પેરન્ટ્સે ક્યાં તૈયારી કરવાની છે. 
મહિલા ઉમેદવાર : પેરન્ટ્સે તૈયારી નથી કરવાની, પણ ઘરની તો જવાબદારી ખરી ને? ઘરમાં ખાવાના પૈસા નથી. તમે કોઇ વાર ગરીબના ઘરે આવીને જુઓ તો ખબર પડશે કેન્સલ એક્ઝામ કરવી એટલે. અહીં ટિકિટ ભાડાના રૂપિયા નથી. પરીક્ષા આપવા માંડમાંડ આવીએ છીએ, વાંચવા માટે લાઇટ નથી, કઇ રીતે વાંચીએ છીએ એ અમને ખબર છે. અમારાં પેરેન્ટ 60 વર્ષે પણ કામ કરવા જાય છે, જેને પ્રોબ્લમ છે તેને રિટેક કરો, કોમ્પ્યૂટર ઘરમાં ના હોય, તમે વિચારો અમારી પાસે કંઇ નથી, પરિણામ આવતાં નથી.