ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે હવે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ અંગે વાત કરીએ તો ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકર, કામરેજના ભાજપના ધારાસભ્ય વી.ડી. ઝાલાવાડિયા અને કોંગ્રેસના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ, ત્રણેય ધારાસભ્યો કોરોનાની સારવાર લઈ રહ્યા છે.

ગુજરાતમાં અગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા, ભાજપના ધારાસભ્ય જગદીશ પંચાલ, ભાજપના ધારાસભ્ય કિશોર ચૌહાણ, ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણી, કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરિયાને કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. આ સિવાય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાને પણ કોરોનાનો ચેપ લાગી ચૂક્યો છે. જોકે, તેમણે કોરોનાને મ્હાત આપી છે.

આ સિવાય કોંગ્રેસના ટોચના નેતા ભરતસિંહ સોલંકીને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમજ તેમની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.