ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ પક્ષ પલટાની મોસમ ઝડપ પકડી રહી છે. આવતી કાલે મંગળવારે કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાવાના છે. આ પહેલા આજે કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગવા જઈ રહ્યો છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે આજે યોજાશે કોંગ્રેસ આપનો પ્રવેશ ઉત્સવ.


આજે લુણાવાડા ના પૂર્વ ધારાસભ્ય અને પંચમહાલ જિલ્લાના પૂર્વ પ્રમુખ હીરાભાઈ પટેલ ભાજપમાં જોડાશે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાશે. લુણાવાડા ભાજપના ધારાસભ્ય જીગ્નેશ સેવકની આગેવાનીમા અને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાની હાજરીમાં કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાશે. જ્યારે બપોરે 2 વાગ્યે અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓ ભાજપમા કમલમ ખાતે જોડાશે.


જયરાજસિંહ પરમારના ભાજપમાં જોડાવાના એલાન પછી હવે મહેસાણા કોંગ્રેસમાં મોટો ભૂકંપ આવી શકે છે. કોંગ્રેસ શાસિત સતલાસણા તાલુકા પંચાયત પરથી કોગ્રેસ સત્તા ગુમાવે એવા એંધાણ છે. કોંગ્રેસ સાશિત સતલાસણા તાલુકા પચાયતમાં કોંગ્રેસના 7 અને ભાજપના 7 તેમજ એક અપક્ષ સદસ્ય છે. જયરાજસિંહ પરમારના ભાજપના જોડાવાથી સતલાસણા તાલુકા પંચાયતની સત્તા ગુમાવે તેવા પુરા એંધાણ છે. 


જયરાજ સિંહ પરમાર વિસનગર તાલુકાના કાસા ગામમાં વતની છે. વિસનગર તાલુકા પંચાયતના કોંગ્રેસ સદસ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. કોંગ્રેસ છોડનારા આ દિગ્ગજ નેતા મંગળવારે ભાજપમાં જોડાશે.  મળતી જાણકારી અનુસાર કોગ્રેસ છોડનારા જયરાજસિંહ પરમાર મંગળવારે કમલમમાં પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. જો કે આ પહેલા જયરાજસિંહ અને સી.આર પાટીલ વચ્ચે બેઠક થઈ હતી અને અંદાજીત બે કલાક સુધી આ બેઠક ચાલી હતી. જેમાં જયરાજસિંહની સાથે તેમના પુત્ર પણ હાજર હતા.


37 વર્ષ કૉંગ્રેસ માટે ખપાવી દેનાર જયરાજસિંહ પરમારે ત્રણ દિવસ પહેલા રાજીનામું આપ્યું હતું અને કૉંગ્રેસને રામ-રામ કરતી વખતે કાર્યકરોને સંબોધીને એક પત્ર લખ્યો.  જેમાં પ્રદેશ કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત કેટલાક વરિષ્ઠ નેતાઓ પર નિશાન સાધ્યું હતું. જયરાજસિંહ પરમારે કહ્યું હતું કે કેટલાક નેતાઓ કૉંગ્રેસ પર કૂંડળી મારીને વર્ષોથી બેઠા છે. પોતે હારતા હોવા છતાં બીજાને જીતવાના ગુરુમંત્ર આપે છે. જો કે કૉંગ્રેસ છોડ્યા બાદ હવે ક્યાં પક્ષમાં જોડાશે તેવી ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ હવે જયરાજસિંહ ભાજપમાં જોડાશે તે નક્કી છે.