ગાંધીનગર: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કલોલના સૈજ ખાતે 750 બેડની PSM હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યુ છે. આ પ્રસંગે શીક્ષણમંત્રી જીતુ વાઘાણી,જગદીશ પંચાલ અને શંકર ચૌધરી પણ હાજર રહ્યા હતા. ગૃહમંત્રીએ દિપ પ્રાગટ્ય કર્યું હતું અને હોસ્પિટલ બનાવવા દાન આપનાર દાનવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત ઉપસ્થિત મહેમાનોનું બુકેથી સ્વાગત કરાયુ હતું.
નોંધનિય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર જિલ્લાના પ્રવાસે છે.તમને જણાવી દઈએ કે ગાંધીનગર જિલ્લો ગૃહમંત્રી અમિત શાહનો મત વિસ્તાર છે. આજે વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે મંગળા આરતી કરી હતી ત્યાર બાદ તેઓ ગાંધીનગર જિલ્લાના પ્રવાસે નિકળ્યા છે. આજે તેઓ રૂપાલ ગામે કાર્યક્રમમાં પણ હાજરી આપશે. રૂપાલ વરદાયિની માતાજી ત્રસ્ત ખાતે વિવિધ વિકાસ કાર્યનું લોકાપર્ણ કરશે. આ ઉપરાંત રૂપાલ ખાતે અમિત શાહની રજતતુલા કરવામાં આવશે. ટૂંક સમય અમિત શાહ રૂપાલ સભાસ્થળે આવશે અને સભાને સંબોધન કરશે.
અમિત શાહે મંગળા આરતી ઉતારી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 3.50 વાગ્યે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. વહેલી સવારે 3:55 વાગ્યે ભગવાનના કપાટ ખુલ્યા હતા અને ચાર વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભગવાનની મંગળા આરતી કરી હતી.
મુખ્યમંત્રીએ પહિંદવિધિ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથ સહિત બળભદ્રજી અને બહેન સુભદ્રાના દર્શન કરીને સોનાની સાવરણીથી કચરોવાળીને પહિંદવિધિ કરી હતી. તેમણે ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામના રથ મંદિરની બહાર નીકળ્યા હતા.