તા. ૦૧-૦૩-૧૯૫૮ ના રોજ માળિયા તાલુકાના ચમનપર ગામે જન્મેલા બ્રિજેશભાઈ મેરજા પોસ્ટ ગ્રેજયુએશન ડીપ્લોમાં ઇન જર્નાલીઝમ સુધીના ઉચ્ચ અભ્યાસ બાદ પબ્લિક રીલેશન ઓફિસર તરીકે પાંચ વર્ષ કાર્યરત રહ્યા. આ પછી ૧૯૮૫ થી ૨૦૦૭ સુધી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીથી લઈને નરેન્દ્ર મોદી સુધીના એક ડઝન મંત્રી મંડળમાં જુદા જુદા પ્રધાનોના સચિવ તરીકે સચિવાલયમાં જાહેર વહીવટનો બહોળો અનુભવ ધરાવે છે.
વર્ષ ૨૦૦૭થી રાજકારણમાં પ્રવેશ કર્યા બાદ બ્રિજેશભાઈ મેરજાએ પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં પૂર્વ ડેલીગેટ, પૂર્વ મંત્રી અને મહામંત્રી તેમજ મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અને રાજકોટ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે સંગઠનમાં તેઓ કાર્યરત રહ્યા છે. બ્રિજેશભાઈ મેરજા ૨૦૧૨માં વિધાનસભા ચુંટણી હાર્યા છતાં જનસંપર્ક કાર્યાલય સતત ચાલુ રાખીને પ્રજાની સેવા કરી છે.
ગત ૨૦૧૭ વિધાનસભા ચુંટણીમાં મોરબી-માળિયાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ વિધાનસભા સત્રમાં ભાગ લઈને મોરબીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. જોકે, હવે તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું ધરી દીધું છે.