Gandhinagar: રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે, માર્ચના પ્રારંભ સાથે જ રાજ્યમાં આકાશમાંથી આકરી ગરમી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે રાજ્યના જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. સૌરાષ્ટ્રના 141 ડેમમાં સૌથી ઓછો 44.46 ટકા જળસંગ્રહ છે. જ્યારે ઉત્તર ગુજરાતના 15 ડેમમાં 54.61 ટકા પાણીનો જથ્થો છે, દક્ષિણ ગુજરાતના 13 જળાશયમાં 76.51 ટકા જળસંગ્રહ છે, જ્યારે કચ્છના 20 ડેમમાં 49.33 ટકા જળરાશિ છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ 72.13 ટકા જેટલો ભરાયેલો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના 206 જળાશયમાં 65.30 ટકા પાણીનો જથ્થો છે. રાજ્યના 173 ડેમમાં 70 ટકાથી પણ ઓછું પાણી છે, રાજ્યના જળાશયોમાં એકંદરે કુલ 68 ટકા પાણીનો જથ્થો છે.
સૌરાષ્ટ્રમાં શું છે સ્થિતિ
સૌરાષ્ટ્રની વાત કરીએ તો ઉનાળાના આરંભે જ 7 ડેમ ખાલી થઈ ગયા, જ્યારે 24 ડેમ ખાલી થવાના આરે પહોંચ્યા છે. ઉત્તર ગુજરાતના 9 શહેર અને 350 ગામને ત્રણ દિવસ સુધી ધરોઈ ડેમમાં પાણી નહીં મળે. બનાસકાંઠા જિલ્લાના નવીન ફિલ્ટર પ્લાન્ટમાં જોડાણ આપવાનું હોવાથી પાણી વિતરણ બંધ રહેશે. 20થી 22 ફેબ્રુઆરી દરમિયાન મહેસાણા, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના 9 શહેર અને 350 ગામ કે જેને ધરોઈ ડેમમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે તેને પાણી વિતરણ નહીં થઈ શકે.
સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ
ગુજરાતમાં ભૂર્ગભ જળસ્તર ઊંચા લાવવા સરકાર મહત્વની કામગીરી કરી રહી છે. રાજ્યમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટેના મહત્વપૂર્ણ અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થઈ રહ્યો છે. યોજના રાજ્ય સરકારના 6 વિભાગોએ સાથે મળીને આ અભિયાનનો ઉદેશ્ય પૂર્ણ કરવા વિવિધ કામોમાં લોકભાગીદારી દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં વરસાદની અનિયમિતતા અને અસમાન વરસાદને કારણે ભૂર્ગભ જળ સ્તર ખૂબ નીચે જતા રહ્યા હોવાથી ક્ષારયુકત-ફલોરાઇડવાળા પાણીના ઉપયોગથી ખેતી અને માનવજાતને મોટા પાયે નુકશાન થાય છે આ નુકશાનમાથી માનવજાતને ઉગારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 2018ના વર્ષથી આ જળ સંચય-જળ સંગ્રહ અભિયાન શરુ કરવામાં આવ્યુ છે.
CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે આ રાજ્યવ્યાપી સુજલામ-સુફલામ જળ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. આ અભિયાન અતર્ગત 2023થી રાજ્યભરમાં ચેકડેમ, રિપેરીંગ કામો તેમજ નવા ચેકડેમ, તળાવો ઊંડા કરવા, જળાશયોના ડિલીસ્ટીંગના કામો, વન તળાવ, ખેત તલાવડી નિર્માણના કામો સહિત નદીઓને પુનઃજીવિત કરવા તેમજ નહેરોની સફાઈ વગેરે કામગીરી કરવામાં આવશે.
પાણીનો સંગ્રહ થવાથી રાજ્યના ખેડૂતોને સિંચાઇમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુજલામ સુફલામ જળ અભિયાનનો પ્રારંભ ગાંધીનગરના ખોરજ ગામના તળાવને ઊંડુ કરી કરાવવાના છે તેના પરિણામે 1.43 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા આ તળાવની હાલની 14.12 લાખ ઘનફૂટ સંગ્રહ ક્ષમતામાં અંદાજે 5.29 લાખ ઘનફૂટનો વધારો થશે. આ સુજલામ સુફલામ જળ અભિયાનને કારણે વરસાદી પાણીનો સંગ્રહ થવાથી રાજ્યના ખેડૂતોને સિંચાઇમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે લાભ મળી રહેશે. આ કામગીરીથી લાખો લોકોને રોજગારી તેમજ પશુ પક્ષીઓને પીવા માટે પાણીની રાહત મળશે.