પાંચ દિવસના વિરામ બાદ રવિવારે ફરીથી ઉત્તર ગુજરાત અને અમરેલી સહિતના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમા વરસાદ તુટી પડ્યો હતો. બે કલાકમાં જેમાં સૌથી વધુ વરસાદ અંબાજીમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો જેને કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોનાં મોત નિપજ્યાં હતાં જ્યારે ખાંભામાં 1 વ્યક્તિનું મોત થયું હતું.

રવિવારે ઉત્તર ગુજરાતમાં ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જેમાં અંબાજીમાં સૌથી વધુ 3 ઈંચ વરસાદ પડ્યો હતો. ઉત્તર ગુજરાતમાં વીજળી પડવાથી 4 લોકોના અને ઝાડ પડવાથી એક બાઇકચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે સૌરાષ્ટ્રમાં વીજળી પડતાં એકનું મોત થયું હતું. મહેસાણા જિલ્લામાં ઊંઝા અને ખેરાલુમાં દોઢ, મહેસાણા, વિસનગર અને વિજાપુરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં સિદ્ધપુરમાં એક તેમજ હારિજ અને ચાણસ્મામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં દાંતા-અંબાજીમાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું હતું. ભારે વરસાદને કારણે અંબાજીમાં વાહનો પણ પાણીમાં તણાયા હોય તેવી દ્રસ્યો સામે આવ્યા હતાં.

ભિલોડામાં એક કલાકમાં એક અને ઈડરમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબકતાં નદી-નાળા બે કાંઠે વહેતા થયા હતાં. આ ઉપરાંત ઉપરવાસમાંથી પાણીની આવકમાં વધારો થતાં ધરોઈ ડેમના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા હતાં. ગીરગઢડામાં બે કલાકમાં 2 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે ઝુડવડલી, સીમાસી, કાણકીયા, આંબાવડ, રેવદમાં અઢીથી 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત ગીર જંગલના ઉપરવાસમાં 3 ઇંચ જયારે સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમા બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. અરબી સમુદ્રમાં લો પ્રેશર સાથે સાઇક્લોનિક સરક્યુલેશનથી બે દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

રવિવારે ખાંભા પંથકમાં ધોધમાર 3 ઈંચ વરસાદ તુટી પડતાં નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જ્યારે અંબાજીમાં પણ 3 ઈંચ વરસાદ વરસતા રસ્તા પર નહી વહેતી થઈ હતી જેના કારણે રસ્તા પર પાણીના ધમસમતા પ્રવાહમાં વાહનો તણાતા હોય તેવી દ્રશ્યો સર્જાયા હતાં.