આ સંદર્ભમાં વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુ એ જણાવ્યું છે કે, ‘રાજ્ય સરકારના કર્મચારીઓ અને કચેરીઓ માટે એસ.ટી દ્વારા ચલાવવામાં આવતી અમદાવાદ ગાંધીનગરની પોઇન્ટ બસ સેવાઓ આવતી કાલ 1 જૂનથી માત્ર અમદાવાદ મહાનગરના કન્ટેઈનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાંથી ગાંધીનગર આવવા શરૂ કરવામાં આવશે.
વાહન વ્યવહાર મંત્રી આર.સી ફળદુએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર આ પોઇન્ટ બસ સેવાઓ બસની કુલ પેસેન્જર કેપેસિટીના 50 ટકા કેપેસિટી સાથે શરૂ કરવામાં આવશે. કોઈ પેસેન્જર આ પોઇન્ટ સેવાની બસમાં ઊભા રહીને મુસાફરી નહિ કરી શકે. આ બસ સેવાઓ પોઇન્ટ ટુ પોઈન્ટ શરૂ કરવામાં આવશે, એટલે કે વચ્ચે ના રૂટ પરથી કોઈ પેસેન્જર લેવામાં આવશે નહિ.
એટલુ જ નહિ મુસાફરોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને ફરજિયાત માસ્કનો ઉપયોગ પણ કરવાનો રહેશે. બસમાં પ્રવેશ આપતા પૂર્વે પ્રત્યેક મુસાફરોનું ટેમ્પ્રેચેર પણ ચેક કરવામાં આવશે. જેથી દરેક મુસાફરે બસ ઉપાડવાના નિર્ધારિત સમયથી 15 મિનિટ પહેલા પોઇન્ટ પર પહોંચવાનું રહેશે. આવી બસોને દરેક ટ્રીપ બાદ સંપૂર્ણ સેની ટાઇઝ કરવામાં આવશે.