અમદાવાદ: ગુજરાત સહિત માઉન્ટ આબુમાં પણ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. તાપમાનનો પારો દિવસે ને દિવસે ગગડી રહ્યો છે જને લઈને રોજ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છ. જોકે રવિવારે સવારે તાપમાન 2.4 ડિગ્રી થતાં માઉન્ટ આબુના નક્કી લેકમાં ઉભેલી નાવડીઓ, મેદાન, ગાર્ડન અને હોટેલો તેમજ ઘરની બહાર પાર્ક કરેલી કાર પર બરફ જામી ગયો હતો.


રવિવારે સવારે સિઝનનો પહેલીવાર માઉન્ટ આબુમાં બરફ જોવા મળ્યો હતો. ટુરિસ્ટો મેદાનમાં જામેલા બરફની ચાદર જોઈ રોમાંચિત થઈ ઊઠ્યા હતા. છેલ્લા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનું જોર વધતાં નાગરીકો ગરમ કપડામાં લપેટાવા લાગ્યાં છે. દિવસ દરમિયાન પણ સતત ઠંડા પવનો ફૂંકાતા લોકોએ દિવસે પણ સ્વેટર પહેરવા પડ્યાં હતા.

તાપમાનનો પારો સતત ગગડતા ગુજરાતમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતના વિવિધ શહેરોના લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નલિયા 8.3 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડૂ શહેર નોંધાયું હતું.

હવામાન વિભાગ પ્રમાણે, ઉત્તર પૂર્વના ઠંડા પવનો ફૂંકાતા ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે. લઘુતમ અને મહત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી દિવસોમાં શિયાળાની ઠંડીનો ચમકારો ધીરે ધીરે વધવા લાગશે.