ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે અને કોરોનાના કેસોમાં ધડાધડ વધારો થઈ રહ્યો છે. કોરોનાએ રાજ્યના મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનમા પણ પ્રવેશ કર્યો છે. મળતી માહિતી પ્રમાણે મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન ખાતે કામ કરી રહેલા રસોઈયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સંજય મહારાજ નામના રસોઈયાને કોરોનાનો ચેપ લાગ્યો છે. રસોઈયાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સંજય મહારાજના પુત્રને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તેની ચકાસણી કરવા માટે તેમનો કોરોના ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે. તેમનો રિપોર્ટ આવવાનો બાકી છે.

નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં રેકોર્ડબ્રેક 1607 નવા કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 16 લોકોના મોત થયા હતા. આ સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 3938 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલ 14732 એક્ટિવ કેસ છે, જ્યારે કુલ 186446 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 96 દર્દી વેન્ટીલેટર પર છે અને 14636 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 205116 પર પહોંચી છે.

રાજ્યમાં આજે કુલ 1388 દર્દી સાજા થયા હતા અને 69283 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 762089 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.90 ટકા છે.