ગાંધીનગર: ચીનમાં કોરોના વાઈરસનો રોગચાળો ફાટી નીકળ્યો છે અને તેના કારણે ચીનની સરકારે પાંચ શહેરોમાં તાળાબંધી ફરમાવી દીધી છે. કોરોના વાઈરસના વાવરને કારણે પાંચ શહેરોમાં લોકોની અવર-જવર સ્થગિત કરી દેવાને પગલે અમદાવાદ સહિત ગુજરાતના વેપારીઓએ ચીનના પ્રવાસ રદ્દ કર્યાં હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાતમાંથી કેમિક્લ, ફાર્માસ્યૂટિકલ્સ, એન્જિનિયરિંગ સહિત વિવિધ સેક્ટરના દરરોજ સરેરાશ 500 જેટલા વેપારીઓ ચીનના વિવિધ શહેરોની નિયમિત રીતે મુલાકાત લેતાં હોય છે. કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે ગયેલા વેપારીઓને પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે.
ગુજરાતમાંથી કેમિક્લ, ફાર્માસ્યૂટિકલ્સ સહિત અન્ય સેક્ટરના 500 જેટલા વેપારીઓ દર મહિને ચીનની મુલાકાત લેતાં હોય છે. ભારત અને ચીન વચ્ચેના વ્યાપારમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે. ચીનના પાંચ શહેરો વુહાન, હુઆંગગેંગ, એઝોઉ, ઝિઝિઆંગ અને ક્વિનઝિઆંગમાં અંદરથી બહાર જવા અને પ્રવેશવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. ફ્લાઈટો પણ રદ્દ કરી દેવામાં આવી છે. ધોરીમાર્ગ, સબ-વે બંધ કરાયા છે. બસ અને ફેરી સર્વિસ પણ બંધ કરી દેવામાં આવી છે.
ગુજરાતના વેપાર-ઉદ્યોગ પર કોરોના વાઈરસનું ‘સંકટ’ આવવાના કારણે હાલ ચીનની મુલાકાતે ગયેલા વેપારીઓ પ્રવાસ રદ્દ કરીને ભારત પરત આવી રહ્યા છે. આાગમી દિવસોમાં ચીન જનાર વેપારીઓએ તેમના પ્રવાસ મોકૂફ રાખ્યા છે અથવા પડતા મૂક્યા છે અને કોરોના વાઈરસ અંકુશમાં આવે તેના પર ચીનના પ્રવાસ નિર્ભર રહેશે. હવે કોરોના વાઈરસને કારણે ગુજરાત સહિત ભારતના વેપારીઓને વધુ ફટકો પડવાને પગલે ‘પડતા પર પાટું’ જેવી સ્થિતિ સર્જાશે.
એપ્રિલ 2020માં શાંઘાઈમાં ‘ઈન્ટરડાઈ’-ટ્રેડ ફેર યોજાવાનો છે. તેમાં સ્ટોલ બુકિંગ કરાવનાર વેપારીઓના ચીન પ્રવાસ રદ્દ કરવાની નોબત આવી છે. અમદાવાદના 125 જેટલા વેપારી સહિત ગુજરાતમાંથી 150થી વધુ વેપારીઓએ બુકિંગ કરાવ્યા છે. જો આ વેપારીઓ ટ્રેડ ફેરમાં ભાગ ન લઈ શકે તો વેપારીઓને સ્ટોલ, એર ટીકિટ અને હોટેલ બુકિંગના નાણાં સલવાઈ જાય તેવી શક્યતા છે.
ગુજરાતના ઉદ્યોગપતિઓએ ચીનનો પ્રવાસ કેમ રદ્દ કર્યો? જાણો કારણ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
28 Jan 2020 09:39 AM (IST)
કોરોના વાઈરસને કારણે હાલ ચીનના પ્રવાસે ગયેલા વેપારીઓને પ્રવાસ રદ્દ કરવાની ફરજ પડી છે. ભારત અને ચીન વચ્ચેના વ્યાપારમાં 80 ટકા વેપારીઓ ગુજરાતના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -