ગાંધનીગરઃ ગોધરા કાંડ અને રમખાણોને લઇને આવેલા તપાસ રિપોર્ટને આજે રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ ગૃહમાં રજૂ કર્યો હતો. સરકારે રચેલા તપાસ પંચનો અહેવાલ આજે 17 વર્ષ બાદ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેને મંત્રી પ્રદીપસિંહ વાંચતા કેટલાક મોટા ખુલાસા કર્યો હતા.


પ્રદીપસિંહ તપાસ પંચનો અહેવાલ વાંચતા કહ્યું કે, 2002 ગોધરાકાંડમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ મળી છે, સાથે સ્વર્ગસ્થ હરેન પંડ્યા, અશોક ભટ્ટ અને ભરત બારોટને આ ઘટનામાં ક્લિન ચીટ મળી છે. પૂર્વ મંત્રી ભરત બારોટનો આ ઘટનામાં ઉશ્કેરણીમાં કોઇ ભાગ ન હતો, આ મુદ્દે અમરસિંહ ચૌધરીના તમામ આરોપો ખોટા સાબિત થયા છે.



રિપોર્ટમાં કહેવાયુ છે કે, ગોધરા કાંડના દિવસોમાં અપાયેલુ બંધનું એલાન સરકારે ન હતુ આપ્યુ, તેમજ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સાબરમતી ટ્રેનની મુલાકાત પણ અધિકૃત હતી. ગોધરા કાંડ કોઇ પૂર્વ આયોજિત કાવતરુ ન હતુ.

જોકે, રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ત્રણેય પૂર્વ આઇપીએસ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ હતી, એટલુ જ નહીં અધિકારીઓની બદલી નિયમિત કાર્યવાહીના ભાગરૂપે કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, 2002માં થયેલી આ દૂર્ઘટના બાદ સરકારે જસ્ટિસ નાણાવટી અને જસ્ટિસ શાહના તપાસ પંચની રચના કરી હતી અને ત્યારબાદ જસ્ટિસ શાહનું મૃત્યુ થઇ જતાં, જસ્ટિસ અક્ષય મહેતાને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નવેમ્બર 2014માં આ અહેવાલ પંચે સરકારને સોંપ્યો હતો.