Yashwant Sinha in Gujarat : રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા, વિરોધ પક્ષના ઉમેદવાર યશવંત સિંહાએ શુક્રવારે બપોરે ગાંધીનગર વિધાનસભામાં યોજાયેલી બેઠકમાં ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોનું સમર્થન માંગ્યું હતું. બાદમાં મીડિયાને સંબોધતા સિંહાએ કહ્યું કે તેમની અને NDA ઉમેદવાર દ્રૌપદી મુર્મુ વચ્ચેની લડાઈ વિચારધારાઓની મોટી લડાઈ છે. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને નવા કાર્યકારી પ્રમુખ જિજ્ઞેશ મેવાણી સહિતના ટોચના કોંગ્રેસના નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.


પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું યશવંત સિંહાએ?
યશવંત સિંહાએ કહ્યું કે આ રાષ્ટ્રપતિની ચૂંટણી અસાધારણ સંજોગોમાં લડવામાં આવી રહી છે. બંધારણે આપેલી અભિવ્યક્તિની સ્વતંત્રતા ખતમ કરવામાં આવી રહી છે. આજે સમાજ સાંપ્રદાયિક ધોરણે વિભાજિત થઈ રહ્યો છે અને આપણી ફરજ છે કે તેને ન થવા દઈએ કારણ કે જો આવું થશે તો બધું નાશ પામશે. 


જે બંધારણ બિનસાંપ્રદાયિક છે અને જેણે તમામને સ્વતંત્રતા અને તક આપી છે તે આજે ખતરામાં છે. તે ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યું છે. મીડિયા સહિત તમામ લોકશાહી સંસ્થાઓ પર દમન કરવામાં આવી રહ્યું છે.




યશવંત સિંહાએ મુર્મૂ  પર નિશાન સાધ્યું હતું
યશવંત સિંહાએ કહ્યું, હું એ વાતની બિલકુલ હિમાયત નથી કરતો કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન વચ્ચે ઝઘડો થવો જોઈએ, પરંતુ જો રબર સ્ટેમ્પ રાષ્ટ્રપતિ બનશે તો તેઓ ભારતના બંધારણને બચાવી શકશે નહીં. 


NDAના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ  પર પ્રહાર કરતા સિંહાએ કહ્યું, “હું કયા ધર્મ અને જાતિમાંથી આવું છું અને તે કઈ જાતિમાંથી આવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી. આ બે વિરોધી વિચારધારાઓ વચ્ચેની લડાઈ છે. તે છ વર્ષ સુધી ઝારખંડના રાજ્યપાલ હતા. હું પણ ઝારખંડથી આવું છું. તેમને ગવર્નરપદે બઢતી મળ્યા બાદ તેમના સમુદાયને કોઈ લાભ મળ્યો નથી.”