યુનાઇટેડ કિંગડમના વૈજ્ઞાનિકોએ કેન્સરની સારવારને સરળ બનાવવા માટે "ટ્રુલી વન્ડરફુલ" નામની નવી દવા તૈયાર કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે મેસોથેલિયોમા કેન્સર સામે અસરકારક છે. લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ આ દવા વિકસાવી છે. તેમનો દાવો છે કે તેની ઉપયોગ ત્રણ વર્ષનો જીવિત રહેવાનો દર 'ચાર ગણો' કરી શકે છે અને સરેરાશ અસ્તિત્વ દર 1.6 મહિના સુધી વધારી શકે છે. વૈજ્ઞાનિકોએ એમ પણ કહ્યું હતું કે તેમની દવા મેસોથેલિયોમા કેન્સર સામે તેની અસરકારકતા બતાવી શકે છે. આ પ્રકારની પ્રથમ દવા છે.


લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ તેમના સંશોધન માટે પાંચ દેશો અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ઈટાલી અને તાઈવાનને પસંદ કર્યા અને પછી આંતરરાષ્ટ્રીય પરીક્ષણ હાથ ધર્યું. ક્વીન મેરી ખાતે પ્રોફેસર પીટર સ્ઝલોસારેકની આગેવાની હેઠળના અભ્યાસમાં, તમામ દર્દીઓને છ ચક્ર માટે દર ત્રણ અઠવાડિયે કીમોથેરાપી મળે છે.


તેમાંથી અડધાને નવી દવા ADI-PEG20 (Pegargiminase) ના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા, જ્યારે બાકીના અડધાને બે વર્ષ માટે પ્લાસિબો આપવામાં આવ્યા હતા. અંતિમ વિશ્લેષણમાં સમાવિષ્ટ દર્દીઓમાં પ્લ્યુરલ મેસોથેલિયોમા ધરાવતા 249 લોકો હતા, જેમની સરેરાશ ઉંમર 70 વર્ષ હતી.


મેસોથેલિયોમા કેન્સરના લક્ષણો અને ઉપાય


ખાંસી, છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ એ મેસોથેલિયોમા કેન્સરના કેટલાક મુખ્ય લક્ષણો છે. હાલમાં તેની સારવાર ઓપરેશન, રેડિયેશન થેરાપી (કિરણો સાથેની સારવાર) અને કીમોથેરાપી (રસાયણ સાથેની સારવાર) દ્વારા કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો યુકેના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવેલી નવી દવા ‘ટ્રુલી વન્ડરફુલ’ ખરેખર અસરકારક હોય તો તે કેન્સર સામે મોટી સિદ્ધિ ગણાશે.