GUJARAT : રાજ્યમાં અકસ્માતમાં, જન્મ બાદ બાળકીનો ત્યાગ અને મૃતદેહ મળી આવવાની ત્રણ ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ડીસામાં અકસ્માતમાં યુવાનનું મોત થયુ, તો પાલનપુરમાં નવજાત બાળકી મળી આવી. તો બીજી બાજુ સુરતમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. 


બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડીસા-રાણપુર રોડ પર અકસ્માત અકસ્માત સર્જાયો. પિકપ ડાલા અને બાઈક વચ્ચે  સર્જાયેલા આ અકસ્માતમાં બાઈક પર સવાર દંપતીને ઇજા થઇ હતી. દંપતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન  યુવકનું મોત થયુ. આ સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


બીજી ઘટના પણ બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કોટડા અને પીરોજપુરાના નાળામાંથી ત્યજી દેવાયેલી 1 માસ ની બાળકી મળી આવી. ઘટનાની જાણ થતા 108ની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને 108ની ટીમે બાળકીને નવ જીવન આપ્યું હતું. બાળકીને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પાલનપુર તાલુકા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે. 


સુરતના નાના વરાછા વિસ્તારમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. નાના વરાછા રામજી ઓવારા પરથી આ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. તાપી નદીમાંથી ફાયર વિભાગ દ્વારા  મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.  અજાણી વ્યકતિ દ્વારા તાપી નદીમાં કૂદી આત્મહત્યા કરી હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. મૃતકની ઉંમર આશરે 30 થી 35 વર્ષની હોવાનું અનુમાન છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોની શોધખોળ માટે વધુ તપાસ હાથ ધરાઈ છે. 


હાર્દિક પટેલે કર્યો મોટો ઘટસ્ફોટ
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના એક બાદ એક નિવેદનથી કોંગ્રેસનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે. રાજકીય વિશ્લેષકો તો ત્યાં સુધી કહી રહ્યાં છે કે હાર્દિકનો કોંગ્રેસ સાથે મોહભંગ થઇ ગયો છે અને હવે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી દેશે. છેલ્લા એક દિવસથી હાર્દિક કોંગ્રેસ અંગેના નિવેદનો કરી રહ્યો છે અને આજે 14 એપ્રિલે હાર્દિક પટેલે મોટો ઘટસ્ફોટ કર્યો છે. 


PTI સાથેની વાતચીત દરમિયાન હાર્દિક પટેલે કહ્યું કે કોંગ્રેસમાં મને હેરાન કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ નેતાઓ ઈચ્છી રહ્યાં છે કે હું કોંગ્રેસ પાર્ટી છોડી દઉં. મને બહુ દુઃખ થયુ છે. મેં આ અંગે રાહુલ ગાંધીને અનેકવાર વાત કરી છે, પણ કોઈ પગલાં લેવામાં નથી આવ્યાં.