અમદાવાદની મુલાકાતે આવેલા દેશના ગૃહમંત્રી અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજ્યા બાદ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. અમિત શાહે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને રાજ્ય સરકારના અધિકારીઓની હાજરીમાં રાજ્યની પરીસ્થિતિ અંગે ચર્ચા થઇ હતી. 


આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓને બેડને લઈને કોઇ તકલીફ ન થાય તે માટે ગાંધીનગર ખાતે ટાટાના સહયોગથી 1200 બેડની હોસ્પિટલ આવનારા સમયમાં તૈયાર કરવામાં આવશે. આ કોવિડ હોસ્પિટલ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયાર કરાશે. જેનો તમામ ખર્ચ ટાટા ટ્રસ્ટ ઉઠાવશે. ઘરમાં આઈસોલેશન શક્ય ન હોય તેમના માટે પણ રાજ્ય સરકાર વ્યવસ્થા કરશે.




કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ટેલિફોનિક ગાઈડન્સ માટે નવા ટોલફ્રી નંબરની શરૂઆત કરવામાં આવશે. જેમાં 50 જેટલા ડોક્ટર ફોન સેવા આપશે.  આ સાથે જ કહ્યું હતું કે, હું ડૉક્ટરોને અપીલ કરવા માંગુ છું કે, ખાસ કરીને રેમડેસિવિર ત્યારે જ આપો જ્યારે તેની જરૂર હોય.


ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં પ્રતિદિન વધારો નોંધાઇ રહ્યો છે. ત્યારે સ્થિતિની ગંભીરતાને ધ્યાને લેતા DRDOના સહયોગથી અમદાવાદ ખાતે 900 બેડની હોસ્પિટલ તાબડતોબ તૈયાર કરવામાં આવી છે. જેની મુલાકાત લીધા બાદ અમિત શાહની અધ્યક્ષતામાં હોસ્પિટલમાં જ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી તથા ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી.


DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બનાવાઈ


અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજન અને વેન્ટિલેટર બેડ ખૂટી રહ્યાં છે, ત્યારે અમદાવાદના GMDC ખાતે આવેલા યુનિવર્સિટી કન્વેન્શન સેન્ટરમાં DRDO દ્વારા 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ બનાવાઈ છે. 


ઓન વ્હીલ્સ લેબોરેટરી વાનમાં બાયોકેમેસ્ટ્રી એનાલાઈઝર,બ્લડ સેલ કાઉન્ટ, માઈક્રોસ્કોપ અને સેન્ટ્રીફ્યુઝ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. આ લેબોરેટરીવાનમાં RT-PCR ટેસ્ટ માટે સેમ્પલ પણ આપી શકાશે. એક ICU ઓન વ્હીલ્સ પણ ફાળવવામાં આવી છે. ICU ઓન વ્હીલ્સના વેન્ટિલેટરથી લઈને ઓક્સિજન સહિતની તમામ સુવિધાઓ રાખવામાં આવી છે.