મોડાસા: આગામી બે દિવસની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અરવલ્લી જિલ્લામાં સવારે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેમાં મોડાસાના ગ્રામ વિસ્તારમાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો. વહેલી સવારથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.

મોડાસા જિલ્લાના ઉમેદપુર, જીવણપુર, ફૂટા, સરડોઈ સહિતના ગામોમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એક કલાકમાં અંદાજે એક ઈંચ વરસાદ જોવા મળ્યો હતો. સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ જોવા મળ્યો હતો.

અરવલ્લીમાં વહેલી સવારથી વરસાદના કારણે વાશેરાકંપા, સરડોઈ ગામમાં વરસાદી પાણી ભરાયા છે. તો અરવલ્લીના ખેતરો તેમજ બજારમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. તો મોડાસાના સરડોઇમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. મોડાસાના સરડોઇના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા છે. વાશેરા કંપામાં ખેતરોમાં પાણી ભરાયા છે.

એક ઈંચ વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. જ્યારે ભારે વરસાદને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઈ હતી. મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે શુક્રવારે બે દિવસની ભારે આગાહી કરી હતી જેમાં આજે છેલ્લો દિવસ છે.

આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતા છે. આ ઉપરાંત 2 અને 3 સપ્ટેમ્બર ગુજરાતમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.