રાજકોટ: રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને કોરોના બાદ આ પ્રમાણ વધ્યું છે. હવે આજે રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટ એકેટથી મોત થયું છે. ગાંધીગ્રામ સંતોષીપાર્કમાં રહેતા 40 વર્ષિય રીનેશભાઇ કોઠારીનું હાર્ટ એટેકથી મોત થતા અરેરાટી મચી જવા પામી છે.


જવાહર રોડ પર કંન્ટ્રક્શનની ઓફિસમાં કામ કરતા હતા તે દરમિયાન તેઓ બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે, રીનેશભાઈનો જીવ બચાવી શકાયો નહોત અને તેમણે સિવિલમાં અંતિમશ્વાસ લીધા હતા. 40 વર્ષિય યુવકના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે. તો બીજી તરફ રીનેશભાઈના પરિવાર પર આભ ફાટ્યું છે.


ચકડોળમાં બેઠેલી યુવતીને હાર્ટ એટેક આવતા મોત


જન્માષ્ટમીના પવિત્ર દિવસે એક ગોજારી ઘટના જેતપુર પંથકમાંથી સામે આવી છે. અહીં મેળામાં યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી છે. જેતપુરમાં ચકડોળમાં બેઠેલ યુવતીને હાર્ટ એટેક આવ્યો હતો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર જુનાગઢ જિલ્લાનાં ભેસાણ તાલુકાના ગળથ બરવાળા ગામની યુવતીને હાર્ટ એટેક આવતા મોતને ભેટી હતી. 




અંજનાબેન ભુપતભાઈ ગોંડલીયા નામની 20 વર્ષીય યુવતીનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે. યુવતીની થોડા સમય પહેલા જ સગાઈ થઈ હતી. યુવતી સસરા પક્ષ સાથે જન્માષ્ટમીનો મેળો માણવા જેતપુર આવી હતી. આ દરમિયાન ચગડોળમાં હાર્ટ એટેક આવતા પ્રથમ ખાનગી હોસ્પિટલ બાદ  સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવી હતી.  જોકે,યુવતીને બચાવી શકાય નહોતી. યુવતીના મોતને પગલે બન્ને પરિવારોમાં શોકનો માહોલ છવાયો છે.



શું ખરેખરમાં કોરોનાની વેક્સિનના કારણે આવી રહ્યાં છે લોકોમાં હાર્ટ એટેક ?


અગાઉ આપણે મોટાભાગે મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવવાના સમાચાર સાંભળતા હતા, પરંતુ છેલ્લા કેટલાક સમયથી નાના વ્યક્તિઓમાં અને નાના છોકરાઓમાં હાર્ટ એટેક અને હાર્ટ સ્ટ્રૉકના કેસો વધી રહ્યા છે. આ વધતા જતા કેસોને જોઈને કેટલાક લોકો અનુમાન લગાવી રહ્યા છે કે આના માટે કૉવિડ વેક્સિન જવાબદાર છે. એટલું જ નહીં લોકો તેના વિશે અલગ-અલગ દાવા પણ કરી રહ્યા છે. કેટલાક લોકો એવું પણ કહે છે કે કૉવિડની રસી ઉતાવળમાં બનાવવામાં આવી હતી, જેટલું સંશોધન થવું જોઈએ તેટલું થયું નથી. આથી આ હાર્ટ એટેકનું સૌથી મોટું કારણ છે.









આજે આપણે આ આર્ટિકલમાં આ દાવાઓની સત્યતા જાણવાનો પ્રયાસ કરીશું. આરોગ્ય નિષ્ણાતોના મતે આ બાબતમાં થોડું સત્ય છે અને તે બધી ખોટી અફવા છે. તાજેતરના સંશોધનોએ આ બાબતે ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. NBTમાં પ્રકાશિત રિપોર્ટ્સમાં આ સ્ટડીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્ટડી અનુસાર, યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ચેપી રોગના નિષ્ણાત ડૉ. ફહીમ યુનુસે આ બાબતે એક અભ્યાસ શેર કર્યો છે. આમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે કૉવિડનો બૂસ્ટર ડૉઝ 95 ટકા સુધી ગંભીર બીમારીથી બચાવે છે. બૂસ્ટર ડૉઝ લીધા પછી શરીર પર કેટલીક આડઅસર દેખાઈ શકે છે. જેમ કે તાવ, શરીરનો દુખાવો વગેરે. બીજીબાજુ તે સંપૂર્ણ અફવા છે કે તેનાથી હાર્ટ એટેક આવી શકે છે. અભ્યાસમાં હૃદય રોગ સાથે કોઈ સંબંધ નથી.