Rain Updates: ગુજરાતમાં વરસાદનો ફરી એક રાઉન્ડ શરૂ થયો છે, છેલ્લા બે દિવસથી રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ ચૂક્યા છે. ત્યારે મહીસાગર જિલ્લામાં ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે, અહીં છેલ્લા 24 કલાકમાં સારો વરસાદ પડી રહ્યો છે.


માહિતી પ્રમાણે, મહીસાગર જિલ્લામાં છેલ્લ 24 કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે. અહીં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સંતરામપુર તાલુકામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે, તો વળી, લુણાવાડામાં 20 એમએમ વરસાદ ખાબક્યો છે. મહીસાગર જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ વરસાદ સારો એવો વરસાદ પડી રહ્યો છે. આજે પણ વહેલી સવારથી જ લુણાવાડા શહેર તેમજ જિલ્લાના તમામ તાલુકાઓમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે, અને વાદળછાયું વાતાવરણ છવાયેલું જોવા મળી રહ્યું છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેરને લઈને ખેડૂતોમાં ખુશીની લહેર છે.


દેશભરમાં વરસાદ બાદ બદલાયો મોસમનો મિજાજ


હાલમાં દેશભરના અનેક રાજ્યોમાં વરસાદ બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ભારે વરસાદ થતાં લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગે આજે એટલે કે શનિવારે (16 સપ્ટેમ્બર) વરસાદને લઈને ઘણા રાજ્યોમાં એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં શનિવારે (16 સપ્ટેમ્બર) દિવસભર વાદળછાયું રહેવાની સંભાવના છે અને ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જો તાપમાનની વાત કરીએ તો મહત્તમ તાપમાન 33 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી રહેવાની ધારણા છે. આ સિવાય હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી દિલ્હીમાં વાદળછાયું આકાશ અને મધ્યમ વરસાદની શક્યતા છે.


આજે ક્યાં ક્યાં વરસાદ પડશે?


યુપીના વિવિધ ભાગોમાં પણ વરસાદ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ બાદ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે., હવામાન વિભાગે શનિવારે પણ રાજ્યમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તરાખંડમાં પણ વરસાદ બાદ લોકોને તડકા અને ભેજવાળી ગરમીથી રાહત મળી છે. શનિવારે (16 સપ્ટેમ્બર) રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. એટલું જ નહીં, 5 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જારી કર્યું છે. IMD અનુસાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ રેડ એલર્ટ પર છે કારણ કે 17 સપ્ટેમ્બર સુધી અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. ભોપાલ હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના અનુપપુર, શહડોલ, ઉમરિયા, કટની, સિવની, મંડલા, બાલાઘાટ, પન્ના, રાયસેન, નર્મદાપુરમ, બૈતુલ તથા બુરહાનપુર જિલ્લાના કેટલાક ભાગોમાં આગામી 24 કલાક મુશળધાર વરસાદ પડવાની સંભાવના છે ઉપરાંત 24 કલાકમાં 204 મિલીમીટર વરસાદ પડવાની આગાહી કરાઈ છે. એટલે આ જિલ્લાઓમાં પાણી ભરાવાની અને પુર જેવી સ્થિતિ બની શકે છે. હવામાન વિભાગે આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ સાથે હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને જમ્મુ વિભાગમાં 17 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જો રાજસ્થાનના હવામાનની વાત કરીએ તો અહીં પણ 17 સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે.