રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાને સીઆઈડી ક્રાઈમના વડા ડીજીપી ટી.એસ. બિસ્ટે એક પત્ર પાઠવીને પેરોલ-ફર્લો જમ્પ કરીને નાસતા ફરતાં આરોપીને શોધી કાઢવા તાકીદ કરી છે. પત્રમાં જણાવાયું છે કે, રાજ્યના પેરોલ, ફર્લો, વચગાળાના જામીન મેળવીને કે પોલીસ જાપ્તામાંથી નાસી છૂટેલા કેદીઓને શોધી કાઢવા માટે ડ્રાઈવ યોજવી.
તા. 8થી શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ડ્રાઈવ આગામી તા. 22 સુધી ચાલનાર છે. આ ડ્રાઈવ દરમિયાન ખૂન, ખેંડણી, લૂંટ, સમાજમાં ભય કે આતંકનો માહોલ ઉભો કરનાર, શરીર સંબંધી ગુના સહિતના ગંભીર ગુનામાં સંડોવાયેલા ભાગેડુ કેદી અને આરોપીઓને ઝડપી લેવા પર ધ્યાન આપવા તાકીદ કરવામાં આવી છે.
જે તે જેલમાંથી કેદીના નામ, કેદી નંબર, ક્યા હેડનો આરોપી ભાગ્યો છે અને તેને ફરી પકડી પાડયાની તારીખ સહિતની વિગતો સીઆઈડીની ગાંધીનગર કચેરીએ નિયમીત મોકલવાની રહેશે.
નોંધનીય છે કે, કોરોના કાળ દરમિયાન રાજ્યની જેલોમાં હાજર કેદીઓની આરોગ્ય સાચવણી પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું. આ કારણે જેલમાંથી વચગાળાની મુક્તિ મેળવનાર કેદી પરત ફર્યા કે નહીં તેના પર ધ્યાન કેન્દ્રીત થઈ શક્યું નહોતું. રાજ્યભરની પોલીસ પણ કોરોનાની કામગીરીમાં ગળાડૂબ હતી.