Heart Attack:કોરોનાકાળ બાદ સતત નાની વયે હાર્ટ અટેક અને હાર્ટ અટેકથી મોતની સંખ્યા વધી રહી છે.રાજ્યમાં છેલ્લા

  24 કલાકમાં નાની વયે હાર્ટ અટેકથી જીવ ગુમારની સંખ્યા 11એ પહોંચી છે.


નવરાત્રિ દરમિયાન છેલ્લા 24 કલાકમાં ગરબે ઘૂમતા 4 લોકના મોત થયા છે તો અન્ય 7 યુવકોના હાર્ટ અટેકથી મોત થયા છે. રાજ્યમાં નાની વયે હાર્ટ અટેકથી મોતની વધતી જતી સંખ્યાએ ચિંતા જગાડી છે.  


આઠ મહિનામાં અમદાવાદની શારદાબેન અને LG હોસ્પિટલમાં હૃદયરોગના ચાર હજાર 377 દર્દી નોંધાયા.જેમાં 156 લોકોએ જીવ ગુમાવ્યો છે.માર્ચ અને એપ્રિલ મહિનામાં વધુ કેસ નોંધાયા હતા. મૃત્યુની વાત કરીએ તો  જૂન અને જુલાઈ મહિનામાં નોંધાયેલા હાર્ટ અટેકના કેસમાં મૃત્યુનું પ્રમાણ વધુ જોવા મળ્યું.


રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 11 લોકોના મોત.. ગરબા રમતા ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો. નવરાત્રિમાં હૃદયરોગના વધતા હુમલાથી ખેલૈયાઓ ચિંતાતુર છે.


અમદાવાદમાં ગરબે ધૂમતા યુવકનું હાર્ટ અટેકથી  મોત


અમદાવાદના હાથીજણમાં  ગરબે ઘૂમતા યુવકનું હાર્ટ અટેકના કારણે  મોત નિપજ્યુ હતું.અમદાવાદમાં નાની વયે હાર્ટ અટેકથી વધુ એક યુવકે જીવ ગુમાવ્યો છે અમદાવાદના હાથીજણના પાર્ટી પ્લોટમાં રમતા 28 વર્ષિય યુવકનું હાર્ટ અટેકથી મોત થયું છે. યુવકને હોસ્પિટલ લઇ જાય તે પહેલા જ મોત થયું છે. યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ તે ઢળી પડ્યો હતો, યુવકને તાબડતોડ હોસ્પિટલમાં પહોંચાડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જો કે સારવાર મળે પહેલા  જ દુર્ભાગ્યવશ તેમનું મોત થયું હતું.


ધોરાજીમાં સમારકામ શ્રમિકનું હાર્ટ અટેકથી મોત


 રાજ્યમાં વધતા જતા હાર્ટ અટેક અને મોતના કિસ્સાએ ચિંતા વધારી છે. રાજકોટમાં વધુ એખ આશાસ્પદ યુવકે હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી. રાજકોટના ધોરાજીના ભાદર બે ડેમના પાટિયામાં સમારકામ કરતાં શ્રમિક યુવકનું હાર્ટ અટેકના કારણે નિધન થયું છે. મૃતક યુવક ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. આશુ કુમાર દિનેશભાઈ સોનકાર નામના 28 વર્ષીય ડેમના પાટિયા સમારકામ કામ કરતી વખતે અચાનક ઢળી પડ્યાં હતા. બનાવ બન્યા બાદ આ યુવકને ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે દુર્ભાગ્યવશ તબીબ દ્વારા રાતે પોસ્ટમોર્ટમ કર્યા બાદ હાર્ટ એટેકથી યુવકનું મોત થયાનું તારણ સામે આવ્યું હતું. 


રાજકોટમાં  2 લોકોના  અટેકથી નિધન


રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ એક યુવાનનું મૃત્યુ થયું છે.રાજકોટ પોપટપરા મધ્યસ્થ જેલમાં ચાલુ ફરજ દરમિયાન એટેક આવતા સવાઈસિંહ હાલાજી સોઢા નામના જવાનનું મૃત્યુ થયું છે. મૃતક મૂળ નખત્રાણા પંથકના વતની હતા અને  બોર્ડર વિંગ બટાલિયન-2 માં સી કંપનીમાં ફરજ બજાવતા હતા.રાજકોટમાં રોજે રોજ 1 કે 2 વ્યક્તિના હાર્ટ એટેક ના કારણે મૃત્યુ થઈ રહ્યા છે. જે ખૂબ જ ચિંતાજનક છે.   


રાજકોટમાં હાર્ટ એકેટના કારણે બિલ્ડરનું મોત થયું છે. રૈયા રોડ પર આવેલા અમૃતા પાર્ક સોસાયટીમાં નિવાસસ્થાને જયેશ ઝાલાવડિયા નામના બિલ્ડરનો હાર્ટ અટેકે ભોગ લીધો. તેઓ સવારે 7 વાગ્યે ઘરે બેભાન હાલતમાં પડી ગયા હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડતા તબીબે મૃત જાહેર કર્યા હતા..


કપડવંજમાં ગરબે ઘૂમતા યુવકનું મોત


તો બીજી તરફ ખેડાના કપડવંજમાં  છઠ્ઠા નોરતે ગરબે ઘૂમતા યુવકનું મોત થયું છે.  કપડવંજમા વીર શાહ નામનો યુવક ગરબે ઘૂમતો હતો. આ સમયે તેમને અચાનક  નાકમાંથી બ્લીડીંગ થવા લાગ્યું.  યુવકની સ્થિતિને જોતા તેમને તાબડતોબ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે દુર્ભાગ્યવશ તેમની જિંદગી ન બચાવી શકાય. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે, શારીરિક  રીતે સ્વસ્થ 17 વર્ષીય યુવકને હાર્ટએટેકથી મોત થતા પરીવાર સહિત ગ્રામજનો સ્તબ્ધ છે. 


વડોદરમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટઅટેકથી 2નાં મોત


વડોદરા શહેરમાં છેલ્લા  24 કલાક માં બે વ્યકિઓના  હાર્ટ એટેકથી મોત થયા છે. વડોદરામાં માંજલપુર વિસ્તારમાં રહેતા 35 વર્ષિય જગદીશ પરમારનું હાર્ટ એટેકથી મોત થયું છે. જગદીશ પરમાર રીક્ષા ચલાવીને ગુજરાન ચલાવતા હતા.ચાલુ રિક્ષામાં હાર્ટ એટેક આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું છે.


તો બીજી તરફ વડોદરામાં જ હરણી વિસ્તારમાં રહેતા શંકર રાણાનું હાર્ટ એટેકથી મોત થયું છે. શંકર રાણા ગરબાની મોજ માણી રહ્યા હતા દરમિયાન ગરબે ઘૂમતા તે અચાનક ઢળી પડ્યાં હતા. તેમની સ્થિતિને જોતા તાબડતોબ તેમને બેભાન અવસ્થામાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતા. જો કે દુર્ભાગ્યવશ તેમને બચાવી ન શકાયા. ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યાં હતા.                                           


ખંભાળિયામાં હાર્ટ અટેકથી યુવકનું નિધન    


ખંભાળિયા, દ્વારકામાં હૃદયરોગના હુમલાએ વધુ એકનો ભોગ લીધો છે. ખંભાળિયાના મોટા આંબલા ગામે આતિમભાઈ બસીરભાઈ સંઘાર નામના 31 વર્ષના યુવાન ખાનગી કંપનીમાં કામ કરી રહ્યા હતા, તે દરમિયાન મૃત્યુ થયું હતું.