ગાંધીનગર: CCTV ક્રાઇમ ડીટેક્સન માટે પોલીસને જેટલા ઉપયોગી થઇ રહ્યા છે તેટલા જ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષામાં કોપી કરતા વિદ્યાર્થીઓને શોધવામાં પણ ઉપયોગી થઇ રહ્યા છે.  માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની તેમજ ધોરણ 10ની પરીક્ષામાં દરમિયાન 60 વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા સુપરવાઈઝર, નિરીક્ષક કે ફ્લાંગ સ્કોર્ડના હાથે ઝડપાયા હતા.  પરંતુ પરીક્ષા બાદ ક્લાસરૂમના CCTV ચેક કરતા 1130 વિદ્યાર્થીઓ કોપી કરતા ઝડપાયા છે.  કુલ 1190 પૈકી 7 વિદ્યાર્થીઓ મોબાઈલ સાથે ઝડપાતા તેમની સામે બોર્ડ દ્વારા ફોજદારી ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે જ્યારે અન્ય વિદ્યાર્થીઓને નોટિસ મોકલી તમામ 1190 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરી દેવામાં આવ્યા છે.


માર્ચ 2023માં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી પરીક્ષાઓમાં સ્થળ ઉપર કોપી કેસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા સાવ ઓછી છે પરંતુ બાદમાં પરીક્ષા ખંડમાં લગાવેલા CCTVની ચકાસણી કરતા કોપી કેસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે. આ ઉપરાંત ધોરણ 10ના વિદ્યાર્થીઓ કોપી કરતા વધુ પકડાયા છે જ્યારે 12 સાયન્સના વિદ્યાર્થીઓનું પ્રમાણ ઓછું છે.


ક્યાં ધોરણના કેટલા વિદ્યાર્થી કેવી રીતે પકડાયા ? 



  • ધોરણ 10માં કોપી કરતા કુલ 788 વિદ્યાર્થીઓ પકડાયા સ્થળ પર 29 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા 

  • CCTVની ચકાસણીમાં 759 વિદ્યાર્થી કોપી કરતા પકડાયા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 367 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા

  • ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સ્થળ પર કોપી કરતા 22 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા 

  • CCTVની ચકાસણીમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના 345 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા 

  • ધોરણ 12 સાયન્સમાં કુલ 35 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા

  • ધોરણ 12 સાયન્સમાં સ્થળ પર કોપી કરતા 9 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા હતા 

  • CCTVની ચકાસણીમાં ધોરણ 12 સાયન્સના 26 વિદ્યાર્થીઓ કોપી કરતા પકડાયા 



ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ એવો દાવો કરી રહ્યા છે કે, CCTVની ચકાસણીથી કોપી કેસ શોધવાનું શરૂ કરાયા બાદ પરીક્ષામાં કોપી કેસની સંખ્યા ઘટી છે. ભૂતકાળમાં 2500 અને 2 હજાર કોપી કેસમાં બનાવો સામે આવતા હતા તે હવે 1 હજાર 1100 સુધી થઈ ગયા છે. કોપી કેસ કરતા પકડાયેલા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવશે અને ત્યારબાદ તેમને સજા કરવામાં આવશે.  મોબાઈલ સાથે પકડાયેલા વિદ્યાર્થીઓને 2 વર્ષ પરીક્ષા આપવા દેવામાં નથી આવતી તેમાં જ ફોજદારી ગુનામાં પણ સજા થાય છે. જ્યારે અન્ય કિસ્સામાં એક વિષયથી લઇને તમામ વિષયનું પરિણામ રદ્દ કરવા સુધી સજા કરવામાં આવે છે.