મહેસાણાના કડીમાં વરસેલા ધોધમાર 12 ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. કડી શહેરની 30 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે. કડીની ગુરૂદેવ અને શ્રીનાથ રોડ પરની સોસાયટીઓ જળમગ્ન થઈ ગઈ હતી. વરસાદી પાણી ભરાતા કડીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોની હાલત કફોડી બની છે. વરસાદી પાણી ઘુસી જતાં ઘરવખરીનો સામાન પણ પલળી ગયો હતો.

મહેસાણા જિલ્લામાં રવિવારે કડી તાલુકામાં સૌથી વધુ સાંબેલાધાર સાડા અગિયાર ઈંચ વરસાદ વરસ્યો છે. તો બહેચરાજી તાલુકામાં 9 ઈંચ, જોટાણા તાલુકામાં સાડા સાત ઈંચ, મહેસાણા શહેરમાં સાત ઈંચ, ઊંજામાં પાંચ ઈંચ, વીજાપુરમાં ચાર ઈંચ, વિસનગરમાં બે ઈંચ અને ખેરાલુમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.

કડી તાલુકામાં અગિયાર ઈંચ કરતા વધુ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. કડી શહેરના અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્વીમીંગ પુલ જેવી સ્થિતિ સર્જાઈ છે. અંડરબ્રિજનો વાહનવ્યવહાર બંધ કરાયો હતો તો શહેરના કરણનગર રોડ પર આવેલી 30 જેટલી સોસાયટીમાં લોકોના ઘર સુધી વરસાદી પાણી પહોંચતા મુશ્કેલી સર્જાઈ. કડીમાં ધોધમાર વરસાદના પગલે એપીએમસીમાં પાણી ભરાતા અનાજને નુકસાન પહોંચ્યું તો મહેસાણા શહેરમાં સાત ઈંચ વરસાદ ખાબકતા શહેરના મહત્વના રસ્તાઓ જળમગ્ન બન્યા છે.

મોઢેરા રોડ પર આવેલા સ્વામીનારાયણ મંદિર પાસે કેડસમા પાણી ભરાતા વાહનચાલકોની મુશ્કેલીઓ વધી ગઈ હતી. રસ્તાઓ પર જળનો કબજો એવો તો થયો કે નાના મોટા વાહનોના પૈડાં થંભી ગયા તો શહેરના બીકે રોડ, મોઢેરા રોડ, નાગલપુર કોલેજ પાસે પણ ચાર ચાર ફૂટ પાણી ભરાયેલા જોવા મળ્યાં હતાં. શહેરના સરદાર ચોકમાં ગોઠણડૂબ પાણી ભરાયા તો રાધનપુર ચોકડી પાસે આવેલા ગોપીનાળામાં પાણી ભરાતા રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી.

જિલ્લાના વસઈ ગામ પાસેનું તળાવ ઓવરફ્લો થતાં ગોજારીયા-વિસનગરના રસ્તા પર પાણી ભરાયા હતાં. જેના કારણે વાહનચાલકોની મુશ્કેલી પડી રહી હતી. બહુચરાજી તાલુકામાં પણ મેઘરાજા મનમૂકીને વરસ્યા હતાં. બહુચરાજીની બહુચર પ્રાથમિક શાળા પાસે કેડસમા પાણી ભરાયા હતાં તો તાલુકાના પ્રતાપનગર ગામનં તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાંથી પસાર થવા લાગ્યું હતું.