અમદાવાદઃ ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાનું છે. રાજ્યમાં આજે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.


રાજ્યમાં આજે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. તો સાબરકાંઠા, સુરેંદ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે.

આવતીકાલે મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના મતે 26 તારીખથી રાજયમાં વરસાદનું જોર ઘટશે. રાજયમાં અત્યાર સુધીમાં સિઝનનો 94.57 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો સારા ચોમાસાના પગલે રાજયના 95 ટકા વિસ્તારમાં વાવેતર પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

ભારે વરસાદના પગલે હાલ રાજયમાં 8 સ્ટેટ હાઈવે મળીને કુલ 138 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. રાજયમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે હાલ 13 જિલ્લાઓમાં NDRFની ટીમ તૈનાત રાખવામા આવી છે.