હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 23 અને 24 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સરકારે સ્થાનિક પ્રશાસનને સતર્ક રહેવા સુચના જાહેર કરી છે.
રાજ્યમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્યગુજરાત તેમજ કચ્છ ઝોનમાં ભારે વરસાદની આગાહીને પગલે સતર્કતા રખાઈ રહી છે. ભારે વરસાદની સ્થિતિને પગલે રાજ્યકક્ષાએ મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે, કોઈ પણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે મુખ્ય સચિવે સુચના આપી છે.
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધી 94.57 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. કચ્છ જિલ્લામાં સૌથી વધુ 162 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના 57 તાલુકામાં મૌસમનો અત્યાર સુધી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. 129 તાલુકાઓમાં 20 થી 40 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.