અમદાવાદઃ રાજ્યમાં કોરોના વાયરસથી સંક્રમિત કુલ દર્દીઓની સંખ્યા એક લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 1325 નવા કેસ નોંધાતા કુલ સંક્રમિતોની સંખ્યા વધીને એક લાખ 375 થઈ ગઈ છે. રાજ્યમાં આજે વધુ 16 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16131 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી 81180 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 89 દર્દી વેન્ટીલેટર પર છે અને 16042 લોકો સ્ટેબલ છે.


રાજ્યમાં ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશન- 3, સુરત-3, સુરત કોર્પોરેશનમાં 2, ભરુચ-1, ભાવનગર કોર્પોરેશન-1, ગાંધીનગર-1, વડોદરા-1, વડોદરા કોર્પોરેશન-1, મળી કુલ 14 લોકોના મોત થયા હતા.

નોંધનીય છે કે ગુજરાતમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં હવે કોરોના બેકાબુ થઈ રહ્યો છે. અહીં એક જ દિવસમાં કચ્છમાં 14 અને સૌરાષ્ટ્રમાં કોરોનાના નવા 443 કેસ આવ્યા છે.

ગુજરાતમાં કુલ કેસ એક લાખને પાર કરી ગયા છે ત્યારે એક લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા હોય તેવું ગુજરાત દેશનું 12મું રાજ્ય છે. ગુજરાતમાં પ્રથમ 50 હજાર કેસ માટે 124 દિવસનો સમય લાગ્યો હતો. પરંતુ આ પછીના 50 હજાર કેસ માત્ર 44 દિવસમાં આવ્યા છે. આ સ્થિતિએ છેલ્લા 44 દિવસમાં દરરોજના સરેરાશ 1 હજાર 136 કેસ નોંધાઈ રહ્યા છે.

ગુજરાતમાં નોંધાયેલા કુલ કેસ પૈકી 70.20 ટકા કેસ માત્ર પાંચ મહાનગરમાંથી છે. જેમાં અમદાવાદમાં 32.20 ટકા, સુરતમાંથી 21.40 ટકા, વડોદરામાંથી 8.50 ટકા, રાજકોટમાંથી 5.10 ટકા, જામનગરમાંથી 3 ટકા કેસનો સમાવેશ થાય છે. ગુજરાતમાં કુલ કેસ પૈકી 53.60 ટકા કેસ માત્ર અમદાવાદ-સુરતમાંથી જ છે.

અમદાવાદ, સુરત, ઉપરાંત વડોદરા-રાજકોટ એવા જિલ્લા છે. જ્યાં 5000થી વધુ કેસ નોંધાયેલા છે. જ્યારે 33માંથી 20 જિલ્લાઓમાં કોરોનાના 1 હજારથી વધુ કેસ છે. ડાંગ એકમાત્ર એવો જિલ્લો છે જ્યા કોરોનાના કુલ કેસનો આંક 100 સુધી પણ પહોંચ્યો નથી.