માંડવીઃ છેલ્લા કેટલાંક વરસોથી કચ્છમાં જોરદાર વરસાદી મહેર જોવા મળે છે. આ સિલસિલો આ વર્ષે પણ ચાલુ રહ્યો છે અને કચ્છના માંડવીમાં બે દિવસમાં જ 15 ઈંચ વરસાદ ખાબકતાં આખું શહેર પાણી પાણી થઈ ગયું છે.
માંડવીમાં રવિવારે સાત ઇંચ વરસાદ પડતાં લોકો ખુશ થઈ ગયાં હતાં પણ અનરાધાર વરસાદ સોમવારે પણ ચાલુ રહેતાં લોકો મુશ્કેલીમાં મૂકાઈ ગયાં છે. સોમવારે ફરી 8 ઇંચ વરસાદ ખાબકી જતાં બે દિવસમાં પડેલા 15 ઈંચ વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થઈ ગયું હતું. બારે વરસાદના કારણે નદી- તળાવો છલકાઈ જતાં લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયાં હતાં. લોકોનાં ઘરો સ્વિમિંગ પુલ જેવાં બની ગયાં છે. સરકારી તંત્ર દ્વારાપાણીમાં ફસાયેલાં લોકોને બહાર કઢાયાં છે. માંડવી ઉપરાંત અબડાસા અને મુંદ્રા વિસ્તારમાં પણ ભારે વરસાદ પડ્યો હતો.
માંડવીમાં 11 ભેંસ, 4 પાડી, 3 ગાય,3 વાછરડી અને અન્ય માલિકની બે ભેંસ અને બે વાછરડી મળી 25 અબોલ જીવ મોતને ભેટ્યાં હતાં.એકાએક ખાબકેલા વરસાદથી ભારાપર ડેમ ઓવર ફ્લો થયો હતો અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયાં હતાં.