નવી દિલ્હીઃ ઓડિશામાં પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા આજે નીકળશે. સોમવારે સુપ્રીમ કોર્ટે રથયાત્રાને મંજૂરી આપી હતી. કોર્ટે કહ્યું કે, મંદિર કમિટિ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કો-ઓર્ડિનેશનમાં યાત્રા કાઢવામાં આવશે. લોકોના સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન થવી જોઈએ. આ સાથે જ કહ્યું કે, પુરી સિવાય ઓરિસ્સામાં બીજે ક્યાંય રથયાત્રા કાઢવામાં નહી આવે.


સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે રથયાત્રાની મંજૂરી આપવી જોઈએ. કોઈ પણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યુ નથી અને લોકોની સુરક્ષાનું પણ ધ્યાન રાખવામાં આવ્યુ છે.

તુષાર મહેતાએ કહ્યુ કે શંકરાચાર્ય, પુરીના ગજપતિ અને જગન્નાથ મંદિર સમિતિ સાથે સલાહ કરીને યાત્રાની પરવાનગી આપી શકાય છે. કેંદ્ર સરકાર પણ એ ઈચ્છે છે કે ઓછામાં ઓછા જરૂર પૂરતા લોકો દ્વારા યાત્રાની પરંપરા નિભાવવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટે રથયાત્રાને લઈને અનેક શરતો રાખીછે, જેના કારણે સામાન્ય શ્રદ્ધાળુ યાત્રામાં જોડાઈ નહીં શકે.

અમદાવાદમાં જગન્નાથ મંદિર પરિસરમાં જ નીકળશે યાત્રા

અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

જેમાં આજે ઓડિશાના પુરીમાં યોજાથી જગન્નાથ રથયાત્રાને સુપ્રીમે મંજૂરી આપી હોવાથી હાઇકોર્ટ પણ અમદાવાદની રથયાત્રા અંગે ફેરવિચારણા કરવા માગણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ તમામ અરજીઓ ફગાવી ટકોર કરી હતી કે અગાઉ રાજ્ય સરકાર રથયાત્રાની તરફેણમાં નહોતી અને હવે સ્ટેન્ડ શા માટે બદલી રહી છે? કોરોનાની મહામારીની સ્થિતિ જોતા રથયાત્રાને પરવાનગી આપી શકાય નહીં.

હાઇકોર્ટમાં આજે હિન્દુ યુવા વાહિનીએ રથયાત્રાની પરવાનગી આપવા અરજી કરી હતી. શનિવારે હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાલતો આદેશ આપ્યો હોવાથી આ અરજી ફગાવાઇ હતી.