Gir Somanth: ગુજરાતનો દરિયાકાંઠો ડ્રગ્સ માફિયાઓ માટે અનુકૂળ હોય તેમ છેલ્લા થોડા મહિનાઓથી મોટા પ્રમાણમાં માદક દ્રવ્યોનો મોટો જથ્થો સમયાંતરે પકડાઈ રહ્યો છે. આજે સોમનાથ નજીકના સમુદ્ર કિનારેથી વધુ ચરસનો જથ્થો મળી આવ્યો છે. હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી ચરસના 16 પેકેટ મળી આવ્યા છે. એસઓજી ટીમે ચરસ કબ્જે કરી કાર્યવીહી શરૂ કરી છે.
અગાઉ ઓગસ્ટમાં ત્રણ દિવસના સર્ચ ઓપરેશન દરમિયાન 273 પેકેટોમાં 301 કિલો ચરસની બજાર કિંમત 4 કરોડ 51 લાખથી વધુ મળી આવી હતી. આ મામલે પોલીસે NDPS એકટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. દરમિયાન વધુ 16 પેકેટ એટલે કે 16 કિલો ચરસ મળી આવ્યું છે. હાલ જિલ્લાના દરીયાકાંઠે SOG સહિતની પોલીસ ટીમો સઘન તપાસ કરી રહી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવ તળિયે પહોંચ્યા, ખેડૂતની હાલત કફોડી
ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં એક મણ ડુંગળીના ભાવ 50 રૂપિયાથી ઘટીને 40 રૂપિયા થઈ ગયો છે. તો સારી ક્વોલિટીની ડુંગળી એક મણના ભાવ 150થી લઈને રૂપિયા 300 થયો છે. છેલ્લા 15 દિવસમાં ડુંગળીના ભાવમાં કોઈ વધઘટ નથી થઈ. બિયારણમાં ભેળસેળ અને વાતાવરણના કારણે આ વર્ષે ડુંગળીના પાક ખૂબ જ નબળો થયો છે. 20 દિવસ બાદ ખરીફ ડુંગળી માર્કેટિંગ યાર્ડમા પહોંચશે.. આ વર્ષે સૌરાષ્ટ્રમાં ખરીફ ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. ટૂંક સમયમાં ડુંગળીનો જથ્થો મોટા પ્રમાણમાં માર્કેટિંગ યાર્ડમાં ઠલવાશે ત્યારે ડુંગળીના ભાવને લઈને ખેડૂતો ચિંતિત બન્યા છે.
અંકિતાના પોસ્ટમોર્ટ રિપોર્ટ આવ્યો સામે, પરિવારજનોએ ઉઠાવ્યો સવાલ, અંતિમ સંસ્કાર રોકવામાં આવ્યા
અંકિતા ભંડારી હત્યા કેસમાં હવે મૃતકનો પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર અંકિતાનું મોત ગૂંગળામણ અને ડૂબી જવાથી થયું છે, તેમજ શરીર પર ઈજાના નિશાન પણ જોવા મળ્યા છે. જોકે, ઈજા કેવી રીતે થઈ તે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.
પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યા પછી, અંકિતાના અંતિમ સંસ્કારને આજે અટકાવી દેવામાં આવ્યા છે. પરિવારના સભ્યોએ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા હતા અને તેને ફરીથી કરાવવાની માંગ કરી હતી. વહીવટીતંત્ર આજે અંતિમ સંસ્કાર કરવા માટે પરિવારના સભ્યોને સમજાવવામાં વ્યસ્ત છે. અંકિતાના પરિવારજનોએ પણ સરકારની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. પરિવારજનોએ સવાલ ઉઠાવતા પૂછ્યું કે, રિસોર્ટ કેમ તોડી પાડવામાં આવ્યું? સંબંધીઓએ દાવો કર્યો હતો કે પુરાવાનો નાશ કરવા માટે આ રિસોર્ટને તોડી પાડવામાં આવ્યું છે.
શનિવારે ચિલા પાવર હાઉસની કેનાલમાંથી અંકિતા ભંડારીનો મૃતદેહ મળી આવ્યો હતો. અંકિતાના મૃતદેહની ઓળખ મૃતકના પિતા અને ભાઈએ કરી હતી, ત્યારબાદ તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એમ્સ ઋષિકેશ લઈ જવામાં આવ્યો હતો. સીએમ પુષ્કર સિંહ ધામીએ પણ આ હત્યાકાંડને લઈને કડક વલણ અપનાવ્યું છે.
મુખ્યમંત્રીએ મામલાની તપાસ માટે SITની રચના કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે તેમણે આશ્વાસન આપ્યું કે આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ મામલાની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા થશે.