ભુજ: હવામાન વિભાગની આગાહી વચ્ચે 24 કલાકમાં કચ્છમાં વરસેલા ભારે વરસાદના કારણે રણ પ્રદેશ જળબંબાકાર થયો છે. કચ્છમાં ભારે વરસાદના કારણે ચારે બાજુ વરસાદી પાણી ફરી વળ્યાં છે. કચ્છમાં સૌથી વધારે વરસાદ રાપર, અબડાસા, ભચાઉ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં પડ્યો છે.

વરસાદના પગલે ભૂજના રૂદ્રમાતા ડેમમાં નવા નીર આવતાં 10 ગામોને પીવાના પાણીની રાહત મળી ગઈ છે. ભારે વરસાદના કારણે કચ્છનું જંગી ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ગામમાં લોકો ઘરની બહાર રહેવા માટે મજબૂર થયા છે.

ભારે વરસાદના કારણે કચ્છના સામખિયાળીમાં પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. પોલીસ સ્ટેશન 4 ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. કચ્છના જિલ્લા મથક ભૂજના હમીરસર તળાવમાં નવા નીર આવ્યા છે. કચ્છીઓ વરસાદના પગલે ખુશખુશાલ થઈ ગયા છે.

24 કલાકમાં નખત્રાણામાં 13 ઈંચ, રાપરમાં 9 ઈંચ, અબડાસામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ગાંધીધામ 11 ઈંચ, કંઠીપટ્ટ (મુંદરા)માં 6 ઈંચ, અંજારમાં 8 ઈંચ, ભચાઉમાં 16 ઈંચ, ભુજ પંથકમાં 4 ઈંચ, માંડવી 3 ઈંચ, લખપત છ ઈંચ વરસાદ થયો છે.

જળબંબાકારની પરિસ્થિતિ વચ્ચે સામખિયાળી ગામ બેટમાં ફેરવાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આસપાસના લાકડિયા-ઘરાણા સહિતના ગામોમાં પણ ભારે હાલાકી ઊભી થઈ છે. ઠેર-ઠેર 4-5 ફૂટ પાણી ભરાઈ ગયાં છે. અવિરત વરસાદથી પાણીનું સ્તર સતત વધી રહ્યું છે. જળબંબાકારની સ્થિતિએ ગામ અને તાલુકામાં ચિંતા ફેલાઈ ગઈ છે.

તાલુકાના બેરુ, મોસુણા, રામપર, રોહા, નારાણપર, ફોટ મહાદેવ, પિયોણી મહાદેવ, વિરાણી, જતાવીરા, વેડહાર, ફુલાય, દેવીસર, ધીણોધર ડુંગર, અરલ, નાગલપર, ધાવડા, દેવપર, સાંયરા (યક્ષ), કોટડા (જ), ઉખેડા, નેત્રા, ખોંભડી, ઉગેડી, વિગોડી, દેશલપર (ગુંતલી), ઢોરા, લુડબાય પંથકમાં અંદાજે 7 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે.