રાજ્યમાં ભારે વરસાદના કારણે 177 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે.  તે સિવાય 14 સ્ટેટ હાઈવે, 3 નેશનલ હાઈવે પણ વરસાદના કારણે બંધ છે. જે રસ્તાઓ બંધ છે તેમાં પંચાયત હસ્તકના 152 રસ્તાઓ બંધ છે. ઉપરાંત આઠ અન્ય 8 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.


રાજ્યમાં સૌથી વધુ ભરૂચ જિલ્લાના 69 રસ્તાઓ બંધ કરાયા હતા. પંચમહાલના 22, વડોદરા જિલ્લાના 20 રસ્તા બંધ કરાયા છે. દાહોદ જિલ્લાના પણ 13 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.


સતત બીજા દિવસે મહેસાણા જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી જિલ્લાના કેટલાક રસ્તા બંધ કરાયા હતા. બેચરાજી-હારીજને જોડતા રોડનો અંડરપાસ પાણીમાં ગરકાવ થયો હતો. અંડરપાસ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. બેચરાજી તાલુકાના 10થી વધુ ગામોના વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


ભારે વરસાદને કારણે બનાસકાંઠા જિલ્લામાં કૃષિ પાકને નુકસાન થયું છે. વરસાદને પગલે અલગ અલગ તાલુકાના ખેતરો જળબંબાકાર થયા હતા. જેમાં કાંકરેજના આસેડા ગામના ખેતરો જળમગ્ન થયા છે. ખેતરોમાં પાણી ભરાતા ઉભા પાકને નુકસાનની ભીતી છે. વરસાદને પગલે ફ્લાવર, રીંગણ, ભીંડા સહિતના શાકભાજીના પાકને નુકસાનની ભીતી છે. એટલું જ નહીં એરંડા, મગફળી, કપાસ સહિતના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ અવિરત વરસાદને પગલે બાજરી, જુવારના પાકને પણ નુકસાન જવાની શક્યતા છે.


સોમવારે (18 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યા સુધી ગુજરાતમાં 238 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ 12 ઈંચ વરસાદ વિસાવદરમાં, 28 તાલુકામાં 2.5 થી 8 ઈંચ વરસાદ નોંધાયો હતો. 75 જિલ્લામાં અડધાથી બે ઈંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. સૌરાષ્ટ્રના આઠથી વધુ જિલ્લામાં 2 થી 12 ઈંચ વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરવા સોમવારે ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. 


 હવામાન વિભાગે પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં અતિવૃષ્ટિની આગાહી કરી છે. બીજી તરફ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલે પણ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. ગઈકાલે પંચમહાલ, દાહોદ, ખેડા, અરવલ્લી, મહિસાગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદને જોતા હવામાન વિભાગે રેડ એલર્ટ પણ જાહેર કર્યું છે.