Rajkot News: રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મૃત્યુનો સિલસિલો યથાવત છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અગાઉ પણ રાજ્યમાં હાર્ટ એટેકથી થતાં મોતના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે ત્યારે રાજકોટમાં ફરી એકવાર હાર્ટ એટેકથી 2 લોકોએ જીવ ગુમાવતા ચિંતાનું મોજું ફરી વળ્યું છે.


25 વર્ષનો વિરલ નામનો યુવક જીમમાંથી પરત ફરતા બેભાન થઈ ગયો હતો જ્યારે 35 વર્ષના સફાઈ કામદાર મનીષભાઈ બાથરૂમમાં ઢળી પડ્યા હતા.  બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર કારગત નીવડે એ પહેલા જ બંનેના મોત નીપજ્યા હતા.


વિરલ માતા પિતાનો એકનો એક પુત્ર હતો


આ અંગે વિગતે વાત કરીએ તો રાજકોટની કેવડવાડીમાં રહેતો ૨૫ વર્ષનો યુવાન જીમમાંથી ઘરે આવ્‍યા બાદ અચાનક ઢળી પડયો હતો.  પ્રિયદર્શન એપાર્ટમેન્‍ટ ૪૦૧મા રહેતો વિરલ અઢીયા (ઉ.વ.25) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કરતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. તમને જણાવી દઈએ કે, વિરલ માતા પિતાનો એકનો એક પુત્ર હતો અને ગુંદાવાડીમાં રેડીમેઇડ કપડાની દૂકાનમાં વેપાર કરતો હતો. તો બીજી તરફ તેમના પિતા લીમડા ચોકમાં આવેલી હોટેલ જયસનમાં નોકરી કરે છે. 


સામે આવેલી વિગતો અનુસાર વિરલે બે ત્રણ દિવસથી જ ભક્‍તિનગર સર્કલ પાસે આવેલા જીમમાં જવાનું ચાલુ કર્યુ હતું. જોકે, આજે જીમમાંથી ઘરે આવ્‍યા બાદ તેને અચાનક શ્વાસ ચડવા લાગ્યો હતો અને ત્યાર બાદ તે બેભાન થઇ ઢળી પડયો હતો. જે બાદ તેને હોસ્પિટલે ખસેડાયો હતો જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.


તો બીજા બનાવની વાત કરીએ તો રાજકોટના નવા થોરાળા શેરી નં. ૬માં રહેતાં મનિષભાઇ હીરાભાઇ નારોલા (ઉ.વ.૩૫) સવારે ઘરે બાથરૂમમાં એકાએક ઢળી પડતાં બેભાન થઇ ગયા હતા. જે બાદ તેમને તાત્કાલિક  રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ અહિ હાજર ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. મનિષભાઈની મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. તેમના પરિવાર અંગે વાત કરીએ તો મનિષભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતાં. સંતાનમાં એક પુત્રી છે. પોતે મ્‍યુ. કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતાં હતાં.