ગોંધરા: મહિસાગર જિલ્લાના ગોધરા ઝોનમાં આવેલી બેંક ઓફ બરોડાની દિવડા કોલોની બ્રાંચમાં ફરજ બજાવતા બે અધિકારીઓ દ્વારા 17.49 કરોડની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યાર બાદ સીબીઆઈએ તે બન્ને અધિકારીની ધરપકડ કરતા ચકચાર મચી છે.
દિવડા કોલોની બ્રાંચમાં ફરજ બજાવતા અધિકારી સતિષકુમાર ભાસ્કર અને મનમોહનસિંહ મીનાએ બેંકના ઈન્ટરનલ એકાઉન્ટમાંથી જમા થતી રકમ પોતાના સગા સબંધીઓ અને મળતિયાઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માંડી હતી.
બેંક ઓફ બરોડાના રિજિનલ મેનેજર વિવેક શુક્લના કહેવા પ્રમાણે બેંકના ઈન્ટરન ઓડિટમાં ઉપરોક્ત વિગતો સામે આવી હતી. તેમણે અન્ય એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલી રકમ લગભગ 17.49 કરોડ હતી. ત્યાર બાદ તેમને બેંકમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને હેડક્વાર્ટર છોડીને નહીં જવાની સૂચના આપવામાં આવી હતી.
આ મામલામાં આખરે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યા બાદ બેંકે સતિષકુમાર ભાસ્કર અને મનમોહનસિંહ મીના સામે સીબીઆઈમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ એક્શનમાં આવેલી સીબીઆઈએ હાલમાં સંતરામપુરમાં રહેતા અને મૂળ બિહારના સતિષકુમાર અને લુણાવાડામાં રહેતા તેમજ મૂળ રાજસ્થાનના મનમોહન મીનાની ધરપકડ કરી છે.