નવી દિલ્હીઃ કેટલાક ઘા એવા હોય છે જેમાં ક્યારેય રૂઝ નથી આવતી પરંતુ તેને ઓછો જરૂર કરી શકાય છે. 2002ના ગુજરાત રમખામ દરમિયાન બિલકિસ બાનોનેને એવો ઘા મળ્યો હતો જે ક્યારેય ભરાવાનો નથી, પરંતુ સુપ્રીમ કોર્ટે એક નિર્ણય સંભળાવ્યો છે જેનાથી કેટલાક અંશે તેની પીડા ઓછી જરૂર થશે.


ગુજરાત સરકારને સુપ્રીમ કોર્ટે સામૂહિક દુષ્કર્મની પીડિતા બિલકિસ બાનોને 50 લાખ રૂપિયા આપવાનો આદેશ કર્યો છે. આ રકમ વળતર તરીકે આપવામાં આવશે. કોર્ટે સરકારના નિયમો અનુસાર બાનોને એક સરકારી નોકરી અને ઘર ઉપલબ્ધ કરાવવાનો પણ આદેશ કર્યો છે. બાનોની સાથે 2002ના રમખાણો દરમિયાન સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.



જણાવીએ કે, બિલકિસ બાનોને ગુજરાત સરકારે પાંચ લાખ રૂપિયા આપવાની રજૂઆત કરી હતી. આ રકમને બિલકિસે ફગાવી દીધી હતી. ત્યાર બાદ હવે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો છે. ઉપરાંત છેલ્લી સુનાવણીમાં ગુજરાત કરકારને કોર્ટે કહ્યું હતું કે, દોષી પોલીસ અધિકારીઓ પર શિક્ષાત્મક પગલા લેવાની કાર્યવાહી પૂર કરવાનું કહ્યું હતું. તેના જવાબમાં પણ ગુજરાત સરકારે કહ્યું કે, દોષી પોલીસ અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા છે.

બિલ્કિસ બાનો પર થયેલા સામૂહિક દુષ્કર્મ બાદ આ કેસ કોર્ટમાં ચાલ્યો હતો જેમાં નીચલી કોર્ટે 12 લોકોને દોષિત જાહેર કરીને તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. રાજ્યમાં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલા તોફાનો દરમિયાન રાધિકાપુરા ગામ ખાતે બિલ્કિસ પર સામૂહિત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ કેસમાં આરોપી તરીકે જસવંત નાઈ, ગોવિંદ નાઈ, શૈલેષ ભટ્ટ, રાધેશ્યામ શાહ, બિપિનચંદ્ર જોશી, કોસરભાઇ વોહાનિયા, બાકાભાઈ વોહાનિયા, પ્રદીપ મરોડિયા, રાજુભાઈ સોની, રમેશ ચંદાના અને મિતેશ ભટ્ટના નામ આપવામાં આવ્યા હતા. આ તમામ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આ કેસને બાદમાં મુંબઈ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. મુંબઈ હાઇકોર્ટે પણ તમામ આરોપીઓની સજા યથાવત રાખી હતી.