અમદાવાદ: રાજ્યમાં ભારે વરસાદના પગલે 266 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. સ્ટેટ હાઈવેના 4, પંચાયત હસ્તકના 255 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. રાજ્યના 7 અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં 67 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યા છે. નવસારી જિલ્લામાં 66 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. તાપી જિલ્લામાં 42 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. પોરબંદર જિલ્લામાં 23 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. ડાંગ જિલ્લામાં 16 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ છે. સુરત જિલ્લામાં 11 રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.
સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 66.35 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌથી વધુ કચ્છમાં 86.60 ટકા, સૌરાષ્ટ્રમાં 77.48 ટકા, દક્ષિણ ગુજરાતમાં 78.37 ટકા સિઝનનો વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 49.88 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 47.71 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર
રાજ્યમાં વરસેલા વરસાદ અને ઉપરવાસમાંથી થયેલ પાણીની ભરપૂર આવકથી રાજ્યના 77 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. 90 ટકાથી વધુ ભરાયેલા રાજ્યના 56 ડેમ હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. જ્યારે 80થી 90 ટકા ભરાયેલા 10 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.
જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 11 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. તો રાજ્યના કુલ 207 પૈકી 48 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. જેમાંથી સૌરાષ્ટ્રના 141 પૈકી 35 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જ્યારે કચ્છ અને દક્ષિણ ગુજરાતના 6-6 ડેમ સંપૂર્ણ ભરાયા છે. આ તરફ મધ્ય ગુજરાતનો એક ડેમ સંપૂર્ણ ભરાયો છે. સરદાર સરોવર ડેમમાં હાલ 56.14 ટકા જળસંગ્રહ છે.
રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડના છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની આગાહીને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટ એ વિસ્તાર માટે જાહેર કરવામાં આવતુ હોય છે જ્યાં સાડા ચારથી આઠ ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. આ સિવાય સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.