Rain Forecast:છેલ્લા ઘણા દિવસોથી ભારે વરસાદને કારણે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલનની ઘટનાઓ સામે આવી છે. જેના કારણે અનેક માર્ગો પ્રભાવિત થયા છે. કેટલાક વિસ્તારોમાં હજુ પણ રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. અહીં હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.


પહાડી રાજ્યોમાં મુશળધાર વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. લાખો લોકો તેનાથી પ્રભાવિત છે. ઘણા લોકોના મોત પણ થયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહેશે. ભૂસ્ખલન પ્રભાવિત હિમાચલ અને ઉત્તરાખંડમાં પણ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે.


આ રાજ્યો માટે એલર્ટ


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઝારખંડમાં વિવિધ સ્થળોએ ભારે વરસાદની આશંકા છે. બિહારમાં 6 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેમજ કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે પણ છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી કરી છે.


મધ્યપ્રદેશમાં આજે હળવોથી મધ્યમ વરસાદ પડશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. આજે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે, જ્યારે કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. દક્ષિણ-પૂર્વ ઉત્તર પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.


ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે


પૂર્વ રાજસ્થાનમાં મોટાભાગના સ્થળોએ 6 ઓગસ્ટ સુધી હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. પશ્ચિમ રાજસ્થાનમાં 5 અને 6 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આજે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.    


ગુજરાતના આ જિલ્લામાં વરસાદનું એલર્ટ


દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં આજે અતિભારે વરસાદનું (heavy rain)  ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આજે  ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદ  વરસી શકે છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.


સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હવામાન વિભાગે  ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યં છે.  તો મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર, દાહોદ,મહીસાગરમાં પણ  ભારે વરસાદ વરસી શકે છે.ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લામાં આજે છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ હવામાન વિભાગે આજે ભારે વરસાદની  આગાહી કરી છે.