મનસુખ વસાવાના રાજીનામા બાદ ભરૂચ જિલ્લામાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મનસુખ વસાવાના રાજીનામાના બાદ જિલ્લાના અન્ય ભાજપના કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ભાજપ સાગબારાના પ્રમુખ, મહામંત્રી, માજી જિલ્લા પંચાયત પ્રમુખ, તાલુકા જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. આ સાથે જ 27 જેટલા લોકોએ પણ મનસુખ વસાવાના સમર્થનમાં રાજીનામા આપતા માહોલ ગરમાયો છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આજે રાજીનામું આપ્યું છે. પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને રાજીનામાનો પત્ર મોકલ્યો હતો, જેમાં તેમણે કહ્યું મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એના કારણે રાજીનામું આપું છું. લોકસભાના સત્રમાં અધ્યક્ષને મળીને પણ હું લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દઈશ. સાંસદ વસાવા છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકારની કામગીરીથી નારાજગી અને લવ-જેહાદના મામલે પત્ર લખીને વિવાદમાં આવ્યા હતા. તેમણે લખેલો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

પત્રમાં મનસુખ વસાવાએ જણાવ્યું છે કે ભાજપે મને મારી ક્ષમતાં કરતાં પણ ઘણુંબધું આપ્યું છે. પક્ષનો, પક્ષના કેન્દ્રીય નેતાગણનો હું આભાર માનું છું. મારાથી શક્ય હતી તેટલી મેં પક્ષમાં વફાદારી નિભાવી છે. પક્ષનાં મૂલ્યો, જીવનનાં મૂલ્યો પણ અમલમાં મૂકવા કાળજી રાખી છે, પરંતુ આખરે તો હું પણ એક માનવી છું. મનુષ્યના નાતે જાણેઅજાણે ભૂલો તો થતી હોય છે. મારી ભૂલને કારણે પક્ષને નુકસાન ના પહોંચે એ કારણસર હું પક્ષમાંથી રાજીનામું આપું છું, જે બદલ પક્ષ મને ક્ષમા કરે. બજેટસત્ર દરમિયાન લોકસભા સભ્યપદેથી પણ સ્પીકરને રૂબરૂ મળીને હું રાજીનામું આપી દઈશ.