રાજ્યમાં કોલ્ડવેવની અસર, કાલે ઠંડીનો ચમકારો વધશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 29 Dec 2020 05:11 PM (IST)
રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ભારત તરફથી રાજયમાં ઠંડા પવન ફૂંકાતા જનજીવનને ભારે અસર પહોંચી છે.
ફાઈલ ફોટો
અમદાવાદઃ રાજ્યમાં ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આગામી દિવસોમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધશે. ઉત્તર ભારત તરફથી રાજયમાં ઠંડા પવન ફૂંકાતા જનજીવનને ભારે અસર પહોંચી છે. આજે રાજયના મોટા ભાગના શહેરોનું તાપમાન 15 ડિગ્રી નીચે રહ્યું છે. 11 શહેરોનું તાપમાન તો 10 ડિગ્રી નીચે નોંધાયું છે. 2.7 ડિગ્રી સાથે નલિયા વધુ એક વાર સૌથી ઠંડુ શહેર રહ્યું. હવામાન વિભાગના મતે આજે અને આવતીકાલે પણ રાજયમાં કડકડતી ઠંડી પડશે. બે દિવસ બાદ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે. આજે સવારે રાજ્યના મહત્વના શહેરોમાં નોંધાયેલા તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછુ લધુતમ તાપમાન 2.7 ડીગ્રી સેલ્સીયસ નલિયામાં નોંધાયુ હતુ. જ્યારે કેશોદમાં 6.2 ડીગ્રી સેલ્સીયસ, કંડલા અને ગાંધીનગરમાં 7.5 ડીગ્રી સેલ્સીયલ અને પોરબંદરમાં 7.8 ડીગ્રી સેલ્સીયસ તાપમાન નોંધાયુ હતુ. અમદાવાદની વાત કરીએ તો લધુતમ તાપમાન 10.2 ડીગ્રી સેલ્સીયસ, વડોદરામાં 10 ડીગ્રી સેલ્સીયસ, મહુવામાં 8.3 ડીગ્રી, સુરેન્દ્રનગરમાં 10.5 ડીગ્રી, સુરતમાં 12. 4 ડીગ્રી સેલ્સીયસ તાપમાન સુધી પારો ગગડયો છે. બીજી તરફ ઉત્તર પૂર્વમાં પણ ઠંડીનું હજુ વધી રહ્યુ છે. જેના કારણે દિલ્હી , જયપુર, અજમેર , ઉદેપુર, આબુમાં પણ તાપમાન ઘણુ નીચુ નોંધાયુ છે. જો કે નલીયાની કડકડતી ઠંડીમાં પણ પર્યયટો કચ્છમાં ઉમટી પડ્યા છે અને ઠંડીની મજા માણી રહ્યા છે. તો હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તો પારો માઇનસ પર પહોંચ્યો છે.