વલસાડ: વલસાડ નેશનલ હાઈવે પર આવેલી શ્રીનાથ હોટલ નજીક બાઈક પર જતા માતા- પુત્ર પાસેથી ત્રણ લાખની લૂંટ ચલાવવામાં આવી છે. વાપીના બલિઠામાં રહેતા જશીબેન વાડી પોતાના પુત્રના લગ્ન પ્રસંગ હોવાથી 3 લાખ રૂપિયાની રોકડ ભરેલો થેલો લઈ પુત્ર સાથે બાઈક પર ડભોઈ જઈ રહ્યા હતાં. જે પારડી તાલુકાની રેમન્ડ ફેકટરી નજીક હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતાં ત્યારે માતા- પુત્રના બાઈકને પાછળથી આવેલા બાઈક ચાલકે અટકાવ્યા હતા અને હેલમેટ તથા લાયસન્સની માગણી કરી હતી.
આ સમયે એક શખ્સે પાછળ બેઠેલા યુવકના માતાના હાથમાં રહેલી રોકડ ભરેલી બેગ ઝૂંટવી અને બાઈકની ચાવી લઈ ફરાર થઈ ગયા. ઘટનાને પગલે માતા- પુત્ર તાત્કાલિક પોલીસમથક પહોંચ્યા હતાં. પોલીસે ઘટનાની ગંભીરતાને લઈ લૂંટની ફરિયાદ નોંધી વિવિધ ટીમો બનાવી લૂંટારૂઓની શોધખોળ શરૂ કરી છે.
તુર્કીના વિનાશક ભૂકંપમાં મોતને માત આપનાર અમદાવાદના પરિવારની આપવીતી
તુર્કીમાં આવેલા ભૂકંપે હજારો જિંદગી છીનવી લીધી છે. આ ઉપરાંત જે બચી ગયા છે તે પણ ભયના ઓથાર હેઠળ છે. આવો જે એક ગુજરાતી પરિવાર જે તુર્કીના વિનાશક ભૂકપંનો શાક્ષી બન્યો અને ભગવાનની કૃપાથી હેમખેમ બચી ગયો. મૂળ દિલ્હીના અને 25 વર્ષથી ગુજરાતમાં રહેતા રાકેશ સિંહ અને તેમનો પરિવાર શનિવારે ગુજરાત પરત ફર્યા.
આ વિનાશક ભૂકંપ અંગે વાત કરતા રાકેશ સિંહે કહ્યું કે, 6 ફેબ્રુઆરીના રોજ સવારે 4.17 કલાકે પાણી પીવા ઉઠ્યો અને ભૂકંપની શરૂઆત થઈ. આસપાસની ઇમારતો પત્તાના મહેલની જેમ મે ધ્રૂજતી જોઈ. જે હાલતમાં હતા તે હાલતમાં પત્ની અને પુત્રને લઈને ઘરની બહાર નીકળી આવ્યા. નાના બાળકો અને મહિલાઓમાં એક ક્યારેય ન જોયું હોય તેવું દુઃખ અને રુદન જોયું. બપોરના સમયે 55 સેકન્ડનો 7 રિકટર સ્કેલનો બીજો ભૂકંપ આવ્યો. તુર્કીમાં ભૂકંપનું મુખ્ય કેન્દ્રબિંદુ ગાઝીયાનટેપમાં આવ્યો હતો.