Dahod News: કઠલા ગામે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં ત્રણ બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં 3 ના મોત થયા છે જ્યારે 1 ઘાયલ થયો છે. કઠલા ગામે બે ઉભેલી બાઇક પર પાછળથી આવેલી અન્ય એક બાઈકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, ત્રણ લોકોના મોત નિપજ્યા હતા અને એકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘાયલને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. આ ઉપરાંત મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્તળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 3 યુવકોના મોતથી ગામમાં ગમગમીનો માહોલ સર્જાયો છે.
બાલારામ નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત
પાલનપુર તાલુકાની બાલારામ નદીમાં ડૂબી જવાથી 2 યુવકોના મોત થયા છે. 2 મુસ્લિમ યુવકો બાલારામ મહાદેવ નદીમાં ન્હાવા ગયા હતા. ડીસાના 2 યુવકો ફરવા ગયા હતા અને મોતને ભેટ્યા. આ ઘટનાની જાણ પાલનપુર તાલુકા પોલીસ કરવામાં આવી હતી. જે બાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બે યુવકોના મોતને લઈને અરેરાટી મચી જવા પામી છે જ્યારે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ખેતરે જવા નિકળેલ આધેડ મોતને ભેટ્યા
વેરાવળ નજીકના ઊંબા ગામ નજીક આવેલા તળાવમાં મગરે એક આધેડનો ભોગ લીધો છે. ઉંબા ગામના કરશનભાઈ પંડિત નામના 58 વર્ષના વ્યક્તિ પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે તળાવ પાસેથી પસાર થતાં હતા તે દરમિયાન તળાવના કિનારે પાણીમાં છુપાયેલા મગરે તેમના પર ઓચિંતો હુમલો કર્યો હતો. કરસનભાઈ કાંઈ સમજે એ પહેલા જ મગરે તેમને ઊંડા પાણીમાં ખેંચી ગયો. સ્થાનિકોને ખબર પડતા લોકો એકઠા થયા અને તળાવમાંથી ભારે જહમત બાદ કરશનભાઈના મૃતદેહને તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આધેડના મોતથી પરિવારમાં માતમ છવાયો છે તો બીજી તરફ મગરના હુમલાને કારણે તળાવ નજીકથી પસાર થતા લોકોમાં ડરનો માહોલ છે.
વાડીએ પાણી વાળવા ગયેલા યુવકનું વીજ કરંટ લાગતા મોત
દ્વારકા: આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર મનાવાય રહ્યો છે. રાજ્યમાં પણ ઠેર ઠેર ભાઈના હાથે બહેન રાખડી બાંધી રહી છે. તો તરફ રક્ષાબંધનના દિવસે જ એક યુવકનું વીજકરંટ લાગતા મોત થતા અરેરાટી મચી જવા પામી છે. ખંભાળિયા તાલુકાના નવા તથીયા ગામે એક યુવાન ખેતરમાં પાણી વાળવા ગયો હતો તે દરમિયાન વીજ કરંટ લાગતા તેમનું મોત નિપજ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર યુવક જેવો ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા ગયો ત્યારે યુવાનને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો હતો. યુવાનના મૃતદેહને પી.એમ અર્થે ખંભાળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. તો બીજી તરફ યુવકના મોતને લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. યુવકના મોતને પગલે પરિવાર પર આભ ફાટ્યું છે. ખુશીનો તહેવાર માતમમાં ફેરવાયો છે.