ગોધરા: ગુજરાતમાં નાની ઉંમરે હાર્ટ એટેકના કિસ્સા સતત વધી રહ્યા છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં હાર્ટ એટેકના કારણે દરરોજ મોતના સમાચાર સામે આવે છે. પંચમહાલ જિલ્લામાં વધુ એક યુવકનું હૃદય રોગના હુમલામાં મોત થયું છે. મોરવા હડફ તાલુકાના ખટવા ગામમાં 39 વર્ષીય નરસિંહ ભાઇ કટારા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે.
ગામના મેદાનમાં યુવકો ક્રિકેટ રમી રહ્યા હતા ત્યાં ક્રિકેટ મેચ જોતા સમયે નરસિંહભાઇ અચાનક ચક્કર આવી જતા જમીન ઉપર ઢળી પડ્યા હતા. આ યુવકને 108 મારફતે મોરા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો છે. આશાસ્પદ યુવકનું ઉત્તરાયણ પર્વે અકાળે મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
શું થાય છે, હાર્ટ અટેક કેવી રીતે આવે છે?
હાર્ટ અટેક એક ગંભીર રોગ છે. જ્યારે માનવ હૃદયને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી ત્યારે હાર્ટ અટેક આવે છે. સામાન્ય રીતે નસોમાં બ્લોકેજને કારણે લોહી હૃદય સુધી પહોંચી શકતું નથી. આના કારણે વ્યક્તિને તેના હૃદયમાં અચાનક દુખાવો થાય છે અને થોડીવારમાં મૃત્યુ પામે છે. ઘણા લોકોને ખ્યાલ પણ નથી હોતો કે તેમને હાર્ટ અટેક આવ્યો છે. ડૉક્ટરો તપાસ કરે ત્યારે જ ખબર પડે છે. હાર્ટ અટેકના લક્ષણો- છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, વધુ પડતો પરસેવો, બેચેનીની લાગણી, જડબામાં કે દાંતમાં દુખાવો.
સંપૂર્ણ ફિટ યુવાનો કેમ હાર્ટ અટેકનો શિકાર બની રહ્યા છે?
એક સામાન્ય માન્યતા છે કે હાર્ટ અટેક ફક્ત પુખ્ત વયના લોકોને જ આવે છે. હાર્ટ અટેકને ઉંમર સાથે કોઈ સંબંધ નથી. ખૂબ જ ફિટ અને સ્વસ્થ યુવાનોને પણ હાર્ટ અટેક આવે છે. આવી સ્થિતિમાં યુવાનોએ છાતીમાં અસ્વસ્થતા, શ્વાસ લેવામાં તકલીફ અથવા અસ્પષ્ટ પીડા જેવા નાના સંકેતોને અવગણવા જોઈએ નહીં.
આજકાલ આપણી જીવનશૈલી પણ બગડી રહી છે. બહાર ખાવાની ટેવ, કામનો વધુ પડતો તણાવ, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ધૂમ્રપાન પણ યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓમાં વધારો કરે છે. કેટલાક લોકોમાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પણ હૃદય રોગનું કારણ બની શકે છે. આ સિવાય જો પરિવારમાં કોઈને અગાઉ હૃદયરોગ થયો હોય તો નાની ઉંમરમાં જ હૃદયની સમસ્યા થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.
સ્પેનમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે વહેલી સવારે વધુ હાર્ટ અટેક આવે છે. ઘણીવાર સવારે 6 વાગ્યાથી બપોર સુધી હાર્ટ અટેકનું જોખમ સૌથી વધુ હોય છે.